ઓકલેન્ડ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ ઝીલેન્ડ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, વેપાર, આતંકવાદ વિરોધી સહકાર, કૃષિ, પર્યટન, રમતગમત, સંસ્કૃતિ, શિક્ષણ અને વિજ્ઞાન સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં કુલ 18 મહત્વપૂર્ણ કરારો અને નિર્ણયો થયા છે. આ કરારો સાથે ભારત અને ન્યુ ઝીલેન્ડે તેમના દ્વિપક્ષી સંબંધોને નવી ઊંચાઈ આપતાં તેને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’નો દરજ્જો આપ્યો છે. વડા પ્રધાન મોદીનું ન્યુ ઝીલેન્ડમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્ઝન (Christopher Luxon) સાથે તેમની ઉષ્માભરી અને સકારાત્મક ચર્ચા થઈ હતી. ન્યુ ઝીલેન્ડ આગામી 15 વર્ષોમાં રૂ. 1.72 લાખ કરોડનું મૂડીરોકાણ ભારતમાં કરશે.
2030 સુધી વેપાર બમણો કરવાનું લક્ષ્ય
બંને દેશોએ મુક્ત વેપાર કરાર (FTA) અંતર્ગત વર્ષ 2030 સુધી દ્વિપક્ષી વેપાર વધારીને સાત અબજ ન્યુ ઝીલેન્ડ ડોલર (આશરે રૂ. 35,000 કરોડ) સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. આ દ્વારા આર્થિક સહકાર મજબૂત કરવો અને બંને દેશોના બજારોમાં વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ છે.
સંરક્ષણ અને સમુદ્રી સુરક્ષામાં વધશે સહકાર
ભારતના સંરક્ષણ મંત્રાલય અને ન્યુ ઝીલેન્ડ ડિફેન્સ ફોર્સ વચ્ચે સમુદ્રી સહકાર અંગે કરાર થયો છે. તેના અંતર્ગત ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સંવાદ, સમન્વય, માહિતી વિનિમય અને સંયુક્ત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહી
ભારત અને ન્યુ ઝીલેન્ડે આતંકવાદવિરોધી સંયુક્ત કાર્યસમૂહ (Joint Working Group) રચવા પર સહમતી દર્શાવી છે. તેનો હેતુ આતંકવાદ સંબંધિત માહિતી વહેંચવી, સહકાર વધારવો અને સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવાનો છે.
ભારતના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ન્યુઝીલેન્ડની નેશનલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) વચ્ચે પણ કરાર થયો છે. તેના અંતર્ગત ભૂકંપ, સુનામી અને દરિયાકાંઠાના કુદરતી આપત્તિઓનો સામનો કરવા, નીતિ નિર્માણ, જ્ઞાન વહેંચણી અને ક્ષમતા વિકાસ માટે સંયુક્ત કામગીરી કરવામાં આવશે.
This has been a great year for the India-New Zealand partnership. Earlier this year, our nations concluded a Free Trade Agreement in record time and now, we have elevated our ties to a Strategic Partnership. Next up, we wish to double bilateral trade by 2030! https://t.co/IyR5qpUt2X
— Narendra Modi (@narendramodi) July 11, 2026
કૃષિ અને ડેરી ક્ષેત્રમાં સહકાર
ભારતના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલય તથા ન્યુ ઝીલેન્ડના પ્રાથમિક ઉદ્યોગ મંત્રાલય વચ્ચે પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં તકનીકી સહકાર, જ્ઞાન વિનિમય અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ અપનાવવા અંગે સહમતી થઈ છે.
પર્યટન, રમતગમત અને સંસ્કૃતિને પ્રોત્સાહન
ભારત અને ન્યુ ઝીલેન્ડના પર્યટન મંત્રાલયો વચ્ચે થયેલા કરાર હેઠળ પર્યટનને પ્રોત્સાહન આપીને આર્થિક સંબંધોને મજબૂત બનાવવામાં આવશે અને બંને દેશોની સંસ્કૃતિને વધુ સારી રીતે સમજવાની તક મળશે.
બંને દેશોએ રમતગમત ક્ષેત્ર માટે પણ એક કાર્યયોજના તૈયાર કરી છે. તેમાં ઉચ્ચ સ્તરીય રમતગમત તાલીમ, રમત વિજ્ઞાન, રમત ચિકિત્સા અને ખેલાડીઓના વિકાસ માટે સહકાર આપવામાં આવશે.
લોથલના રાષ્ટ્રીય સમુદ્રી વારસા પરિસરમાં સહકાર
ગુજરાતના લોથલ ખાતે વિકસિત થઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે ભારત અને ન્યુ ઝીલેન્ડ મેરિટાઇમ મ્યુઝિયમ વચ્ચે પણ કરાર થયો છે.
There could be immense economic opportunities in sectors such as services, technology and talent mobility. India’s PLI Schemes have helped strengthen manufacturing. At the same time, there is rapid growth in infrastructure be it airports, regional connectivity, cargo and… pic.twitter.com/rS4pJYsYdN
— Narendra Modi (@narendramodi) July 11, 2026
ઇન્ડો-પેસિફિક અને બાયોફ્યુઅલ ક્ષેત્રે સહમતી
ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ (IPOI)ના સાત સ્તંભોમાંથી સમુદ્રી સુરક્ષા સ્તંભ સાથે ન્યુ ઝીલેન્ડ જોડાયું છે. તેના અંતર્ગત ગેરકાયદે, બિન-અહેવાલિત અને અનિયમિત (IUU) માછીમારી પર નિયંત્રણ માટે વિશેષ સહકાર આપવામાં આવશે.
શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનમાં સહકાર
ગોવામાં આવેલ નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ (NCPOR) અને ન્યુ ઝીલેન્ડની University of Canterbury વચ્ચે એન્ટાર્કટિકા સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન, શૈક્ષણિક આદાન-પ્રદાન અને ક્ષમતા વિકાસ માટે કરાર થયો છે.
ચાર વર્ષનો રોડમેપ તૈયાર
ભારત અને ન્યુ ઝીલેન્ડે ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એન્ડ રોડમૅપ-2030’ પણ જાહેર કર્યો છે. તેના અંતર્ગત આગામી ચાર વર્ષ દરમિયાન વેપાર, સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, પર્યટન, સંસ્કૃતિ, રમતગમત, કૃષિ ટેકનોલોજી, લોકો વચ્ચેના સંપર્કો, ઇન્ડો-પેસિફિક સહકાર અને બહુપક્ષી મંચો પર સમન્વયને તબક્કાવાર રીતે આગળ વધારવામાં આવશે. આ લક્ષ્યો હાંસલ કરવા માટે બંને દેશોના સંબંધિત મંત્રાલયો અને સંસ્થાઓ સંયુક્ત રીતે કાર્ય કરશે.






