મુંબઈઃમુંબઈઃ મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકામાં આવેલા યશવાડી દેવસ્થાન સંસ્થાન મંદિર સામે બનાવવામાં આવી રહેલા સભામંડપનો એક થાંભલો શનિવારે બપોરે અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં અને 18 શ્રદ્ધાળુ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં 40થી વધુ શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાયા હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અચાનક ધરાશાયી થયો 15 ફૂટનો સ્લેબ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આશરે 15 ફૂટ લાંબો અને 15 ફૂટ પહોળો સ્લેબ અચાનક ધડાધડ તૂટી પડી ગયો. સ્લેબ પડતાં જ ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ. અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા અને મદદ માટે બૂમાબૂમ શરૂ થઈ. સ્થાનિક લોકો પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી બચાવકાર્યમાં જોડાઈ ગયા હતા.
30 થી 40 લોકો દટાયા હોવાની આશંકા
પ્રાપ્ત માહિતી મુજબ આ દુર્ઘટનામાં અંદાજે 30 થી 40 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. તેમાંના આઠથી 10 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બચાવ દળે અત્યાર સુધીમાં અનેક ઘાયલોને બહાર કાઢીને પરભણી જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બાંધકામની ગુણવત્તા અંગે ઊઠ્યા સવાલો
આ ઘટના બાદ બાંધકામની ગુણવત્તા અને સુરક્ષા નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભાગનું નિર્માણ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક સ્લેબ તૂટી પડવું બેદરકારી તરફ સંકેત કરે છે. પ્રશાસન હવે સમગ્ર ઘટનાની તપાસની તૈયારીમાં છે. હાલ સ્લેબ તૂટી પડવાનું સાચું કારણ સામે આવ્યું નથી.
In Maharashtra Parbhanithe tragic roof collapse incident at the Hanuman Temple in Yashwadi village 😳 6 people died and 30-40 people are injured !💔#maharashtra pic.twitter.com/mz8yHgG01L
— Manan Trivedi (@itsurbunny7) June 20, 2026
આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસન, પોલીસ અને રાહત-બચાવ દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. યુદ્ધને ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.






