રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત, રાજ્યમાં ચિંતાજનક વધતા કેસ

રાજકોટ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. સરકારી હોસ્પિટલના સ્ટાફ અને તબીબોને એલર્ટ કરાયા છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત રાત્રીએ આ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ દર્દીએ બહારનો કોઈ પ્રવાસ કર્યો ન હતો અને વેક્સિનના અગાઉ ત્રણ ડોઝ લીધા હતા, તેવું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. જો કે દર્દીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારી હોવાનું નિદાન થયું હતું. સૌપ્રથમ રાજકોટની એઈમ્સમાં દાખલ થયા બાદ વધુ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટમાં અત્યાર સુધીમાં 114 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. તેમાંથી 61 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 9 કેસ નોંધાયા છે. રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં કોરોના ફરી દેખાતા લોકો સાવચેત બન્યા છે. આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. દરમિયાન રાજ્યમાં 1100 જેટલા કોરોના કેસ નોંધાયા છે. રોજ 200 થી વધુ કેસ બહાર આવી રહ્યા છે. રાજ્યનું આરોગ્ય તંત્ર પણ હવે એલર્ટ થઈ ગયું છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ )