સૂરત: ગાંધીજીના જીવન અને ગાંધી દર્શન પર બનેલી ફિલ્મોનો ખાસ કાર્યક્રમ એટલે ‘ગાંધી પૈનોરોમા’નું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યું છે. મુંબઈની કંપની ઈન્ડિયન ઈન્ફોટેન્મેંટ મીડિયા કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 16મી ઓગષ્ટ, 2024ના રોજ આ ફિલ્મોત્સવના 28મા સંસ્કરણનું સૂરત ખાતે આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકારના યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.‘ગાંધી પૈનોરમા’ ફિલ્મોત્સવમાં સમગ્ર વિશ્વમાંથી 40 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી કેટલીક ફિલ્મોનું સુરતમાં પ્રદર્શન કરવામાં આવ્યું. આ ફિલ્મોમાં ‘બાપૂને કહા થા’, ‘મેકિંગ ઓફ મહાત્મા’, ‘મહાત્મા ગાંધી’, ‘અપની ગંદકી હમ નહીં સાફ કરેંગે તો કૌન કરેંગા’, ‘અપરિગ્રહ’, ‘કપ ઓફ ટી’, ‘આઝાદી’, ‘અહિંસા’, ‘મેરા રાષ્ટ્રીય ધ્વજ’, ‘વહ અદ્દભૂત નજારા’, ‘ઈસે ગાંધી નહીં પતા’, ‘ધૂળ’ જેવી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો.
સૂરતના સંસ્કાર ભારતી વિદ્યાલયમાં આયોજીત આ કાર્યક્રમમાં શહેરના હજારો વિદ્યાર્થીઓએ ફિલ્મો નીહાળી. તરુણ અને યુવા વિદ્યાર્થીઓએ આ ફિલ્મોને નીહાળી અને તેમાંથી બોધ-પાઠ પણ લીધો. સૂરતમાં આ કાર્યક્રમનું ઉદ્ધાટન ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા કપિલદેવ શુક્લા દ્વારા કરવામાં આવ્યું. તેઓ ગુજરાતી નાટ્ય જગત સાથે છેલ્લાં સાડા છ દાયકાથી જોડાયેલા છે. તેમના સાથે જાણીતા શિક્ષણવિદ અને ગાયક જગદીશ ઈટાલિયા પણ હાજર રહ્યા હતા.