સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં પ્રાથમિક પુરાવા મળ્યા છેઃ ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બોલીવુડ પ્રતિભાશાળી યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુ કેસ અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. એમણે કહ્યું છે કે આ કેસમાં તપાસ હજી ચાલુ છે. કેટલાક પુરાવા મળ્યા છે અને તેની વિશ્વસનીયતાની ચકાસણી કરવામાં આવી રહી છે.

સુશાંતસિંહ 2020ની 14 જૂને બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એ ડિપ્રેશનમાં હતો એવું કહેવાય છે. એના પરિવારજનોએ સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો, એની સાથે છેતરપિંડી કરવાનો અને એને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાનો અભિનેત્રી તથા એની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આરોપ મૂક્યો છે.

સુશાંતસિંહ મૂળ બિહારનો હતો. તેના મૃત્યુના કેસની બિહાર પોલીસે 2020માં નોંધણી કરીને તપાસ શરૂ કરી હતી. પરંતુ તેની પાસેથી તપાસ સીબીઆઈએ પોતાને હસ્તક લઈ લીધી હતી. એ વાતને ત્રણ વર્ષ વીતી ગયા છે, પરંતુ સીબીઆઈએ ન તો હજી સુધી આરોપનામું નોંધાવ્યું છે કે ન તો કેસને બંધ કરી દીધો છે.

ફડણવીસે હાલમાં જ એક ન્યૂઝચેનલને કહ્યું હતું કે શરૂઆતમાં આ કેસમાં બધી કાને સાંભળેલી વાતો જ ચાલી હતી. ત્યારબાદ અમુક વ્યક્તિએ દ્રઢતાપૂર્વક કહ્યું હતું કે એમની પાસે આ કેસના સંદર્ભમાં પર્યાપ્ત પુરાવો છે. તેથી અમે એમની પાસે ગયા અને એમને વિનંતી કરી હતી કે તેઓ એ પુરાવો પોલીસને આપે. હાલ અમે તે પુરાવાની વિશ્વસનીયતાની ચકાસણી કરી રહ્યા છીએ. તપાસ હજી ચાલુ છે અને પ્રગતિના સ્તરે છે. તેથી આ વિશે હાલ કંઈ વધારે કહેવું ઉચિત નહીં કહેવાય.

સુશાંતસિંહના મૃત્યુના કેસમાં દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સહિત બોલીવુડની અનેક હસ્તીઓની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. આ કેસમાં કેફી પદાર્થના વ્યસનનો મુદ્દો પણ ચર્ચાયો છે. તેથી એનસીબી એજન્સીએ 2020ના સપ્ટેમ્બરમાં રીયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. તેના લગભગ એક મહિના બાદ કોર્ટે એને જામીન પર છોડી હતી.