અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’થી સમ્માનિત

નવી દિલ્હી – હિન્દી ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ભારતીય સિનેમાનો સર્વોચ્ચ અને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે.

આ પ્રસંગે 77-વર્ષીય અમિતાભ બચ્ચનના પીઢ અભિનેત્રી પત્ની જયા બચ્ચન, અભિનેતા પુત્ર અભિષેક બચ્ચન, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર તથા અન્ય આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ એવોર્ડ ભારતીય સિનેમાના પિતામહ ગણાતા ધુંડીરાજ (દાદાસાહેબ) ગોવિંદ ફાળકેના નામે સ્થાપવામાં આવ્યો છે. આ એવોર્ડની સ્થાપના 1969માં કરવામાં  આવી હતી અને યોગાનુયોગ, એ જ વર્ષમાં ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મ સાથે અમિતાભ બચ્ચને હિન્દી ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.

દાદાસાહેબ ફાળકે એવોર્ડ સ્વર્ણ કમલ (ગોલ્ડન લોટસ) મેડલ, એક શાલ અને રૂ. 10 લાખના રોકડ ઈનામ રૂપે આપવામાં આવે છે.

અમિતાભે એવોર્ડ સ્વીકાર્યા બાદ સંક્ષિપ્તમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે એવોર્ડ મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી અને ભારત સરકારનો આભાર માન્યો હતો. સાથોસાથ, એમણે કહ્યું કે, ‘જ્યારે મારા નામની ઘોષણા થઈ હતી ત્યારે મારા મનમાં સહેજ સંદેહ થયો હતો કે શું આ મારા માટે કોઈક સંકેત છે કે ભાઈસાહબ તમે હવે બહુ કામ કરી લીધું છે, હવે તમે ઘરમાં જ બેસો અને આરામ કરો… કારણ કે મારે હજી થોડુંક કામ પૂરું કરવાનું બાકી છે.’

અમિતાભ બચ્ચને એમની પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં 200થી વધારે હિન્દી તથા અન્ય ભાષાની ફિલ્મોમાં અભિનય કર્યો છે. જાણીતા હિન્દી કવિ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનના પુત્ર અમિતાભનો જન્મ 1942માં થયો હતો.

અમિતાભની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ ફ્લોપ ગઈ હતી, પરંતુ 70ના દાયકામાં અમિતાભ જોરદાર રીતે છવાઈ ગયા હતા. 1973માં એમની ‘ઝંજીર’ ફિલ્મે એમને ટોચની હરોળના અભિનેતાઓમાં લાવીને મૂકી દીધા હતા. ત્યારબાદ એ 70-80ના દાયકામાં ‘દીવાર’, ‘શોલે’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘લાવારિસ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ત્રિશુલ’, ‘શક્તિ’, ‘કાલા પથ્થર’ જેવી ફિલ્મો આવી, જેમણે એમને સુપરસ્ટાર બનાવી દીધા હતા. આ ફિલ્મોમાં એમના પાત્ર, ચોટદાર સંવાદો, ફાઈટિંગના દ્રશ્યો દ્વારા અમિતાભ યુવા પેઢીના ગુસ્સાનું પ્રતિક બન્યા અને ‘એન્ગ્રી યંગમેન’ તરીકે ઓળખાવા લાગ્યા.

અમિતાભે ‘અભિમાન’, ‘મિલી’, ‘કભી કભી’, ‘સિલસિલા’ જેવી સંવેદનશીલ ફિલ્મો દ્વારા પણ પોતાની અભિનયપ્રતિભાની દર્શકોનાં મન પર ઘેરી છાપ છોડી હતી તો ‘ચૂપકે ચૂપકે’, ‘અમર અકબર એન્થની’, ‘સત્તે પે સત્તા’, ‘નમક હલાલ’ જેવી ફિલ્મોમાં પોતાની કોમેડીની કળા પણ રજૂ કરીને પોતાની લોકપ્રિયતાને ચાર ચાંદ લગાવી દીધા હતા.

1990માં ‘અગ્નિપથ’ ફિલ્મમાં વિજય દીનાનાથ ચૌહાણ નામના ગેંગસ્ટરની ભૂમિકા બદલ એમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અમિતાભ ટીવી પડદા ઉપર પણ પહેલા જ પ્રયાસમાં મશહૂર થઈ ગયા હતા. ‘કૌન બનેગા કરોડપતિ’ ગેમ શોનું સંચાલન કરીને એમણે દર્શકો અને પોતાના પ્રશંસકોને બેહદ ઘેલું લગાડ્યું હતું. તેઓ એ કાર્યક્રમનું આજે પણ સંચાલન કરે છે.

ઉંમર વધતાં અમિતાભે પોતાની સ્ટાઈલ બદલી હતી અને ‘આંખે’, ‘બાગબાન’, ‘ખાકી’, ‘વિરુદ્ધ’, ‘સરકાર’ જેવી ફિલ્મો કરી હતી, જે પણ બોક્સ ઓફિસ પર સફળ થઈ હતી. ‘બ્લેક’, ‘પા’ અને ‘પિન્ક’ ફિલ્મોમાં પણ એમણે જબરદસ્ત અભિનય કર્યો હતો અને શ્રેષ્ઠ અભિનેતા તરીકે વધુ 3 રાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા.

1984માં ભારત સરકારે અમિતાભને ‘પદ્મશ્રી’ ખિતાબથી, 2001માં ‘પદ્મભૂષણ’ અને 2015માં ‘પદ્મવિભૂષણ’ એવોર્ડથી 2019માં સમ્માનિત કર્યા હતા.

2019ના વર્ષમાં છેલ્લે તેઓ ‘બદલા’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. એમની નવી ફિલ્મ આવી રહી છે, ‘બ્રહ્માસ્ત્ર’, જેમાં તેઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા યુવા કલાકારો સાથે જોવવા મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]