નવા વર્ષના સ્વાગત માટે લાખો પર્યટક અલિબાગમાં ઉમટ્યાં

મુંબઈ – નવા 2020ની સાલનું સ્વાગત કરવા માટે હવે દિવસોને બદલે કલાકોની ગણતરી થવા માંડી રહી છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ અને નવા વર્ષના પ્રથમ દિવસે મોજમજા કરવા માટે લાખો લોકો મુંબઈની પડોશના રાયગડ જિલ્લામાં આવેલા સમુદ્રકિનારાઓથી સમૃદ્ધ એવા અલિબાગને પસંદ કરતા હોય છે. આ વર્ષ પણ એમાંથી બાકાત રહ્યું નથી.

અલિબાગ ખાતે પર્યટકોનું આગમન શરૂ થઈ ગયું છે અને અત્યારથી જ લાખો લોકોથી આ નગર ઉભરાવા લાગ્યું છે.

અલિબાગમાં પહોંચી ગયાં છે તથા વધુ ને વધુ સંખ્યામાં પહોંચી રહ્યાં હોય એવા લોકોમાં યુવાન વયનાં મિત્રો તથા વ્યાવસાયિકો વધુ જોવા મળી રહ્યાં છે. શનિવારથી પર્યટકોનો ધસારો શરૂ થયો છે. અનેક પરિવારોની હાજરી પણ જોવા મળી રહી છે.

અલિબાગમાં ઘોડા, ઊંટ સફારી, બોટિંગ, બીચ કેમ્પિંગ, કેટીએમ રાઈડિંગનો આનંદ માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોય છે. બચ્ચાં પાર્ટીઓને પણ અહીં દરિયાના પાણીમાં ભીંજાવાની મજા કરવા મળે છે. ઘણાં પર્યટકો પેરાગ્લાઈડિંગનો પણ આનંદ માણી રહ્યાં છે.

અલિબાગ અને વર્સોલી બીચ અલિબાગનાં સૌથી લોકપ્રિય છે.

સમુદ્રકિનારાઓ ઉપરાંત 17મી સદીના જૂના કુલાબા કિલ્લા પર જઈને પર્યટકો આ ઐતિહાસિક કિલ્લા પર ફોટા પાડતા જોવા મળ્યા.

અલિબાગમાં અન્ય પણ પ્રેક્ષણીય સ્થળો છે.

પર્યટકો લાખોની સંખ્યામાં આવી પડ્યા હોવાથી વાહનોની સંખ્યા અત્યંત વધી ગઈ છે. પરિણામે રસ્તાઓ પર ટ્રાફિક જામ થતો જોવા મળ્યો છે.

ટ્રાફિકનું નિયમન કરવામાં જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનોને ભારે મહેનત કરવી પડી રહી છે.

સ્થાનિક પ્રશાસને સમુદ્રકિનારાઓ પર જીવનરક્ષક ટૂકડીઓને તહેનાત કરી છે.

પર્યટન સ્થળો ખાતે પોલીસોનો પણ કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

અલિબાગ રાયગડ જિલ્લામાં મધ્ય ભાગમાં આવેલું અને સમુદ્રકાંઠે વસેલું નગર છે. તે મુંબઈથી દક્ષિણ બાજુએ આવેલું છે. તે રાયગડ જિલ્લામાં આવ્યું છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારે એનો સમાવેશ મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં કર્યો છે. મુંબઈથી આ સ્થળ રોડ માર્ગે આશરે 140 કિ.મી.ના અંતરે આવેલું છે. મુંબઈ-ગોવા રોડ પર પેણ માર્ગે અલિબાગ જવાય છે. તે ઉપરાંત મુંબઈથી બોટ (કેટામારન-ફેરી સેવા) માર્ગે પણ અલિબાગ જઈ શકાય છે. દરિયાઈ સફર લગભગ દોઢેક કલાકની હોય છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી માંડવા જેટ્ટી સુધી સ્પીડબોટ દ્વારા ઝડપથી પહોંચી શકાય છે. હવામાન સારું હોય તો સ્પીડબોટ દ્વારા 25 મિનિટમાં જ માંડવા (અલિબાગ) પહોંચી શકાય છે. માંડવાથી ટ્રાન્સપોર્ટ ઓપરેટરો પોતાની ચાર્ટર્ડ બસો દ્વારા પ્રવાસીઓને રોડ માર્ગે અલિબાગ પહોંચાડે છે. બસ સફર આશરે 45 મિનિટની હોય છે. બસ સ્ટોપથી અલિબાગ બીચ ચાલતા જઈ શકાય.

ટ્રેન માર્ગે જવું હોય તો મુંબઈથી પનવેલ અને પનવેલથી પેણ જઈ શકાય છે. અલિબાગમાં એરપોર્ટ નથી.

શાહરૂખ ખાનની પત્ની, પુત્રી, પુત્ર અલિબાગ ભણી

 

દરમિયાન, બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી, પુત્રી સુહાના અને પુત્ર અબ્રામ ખાન પણ અલિબાગ જવા માટે રવાના થયા છે. તેઓ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતેથી બોટ દ્વારા રવાના થયા હતા. અલિબાગમાં શાહરૂખન પરિવારનું પોતાનું ફાર્મહાઉસ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]