સંજય દત્તે 60મો જન્મદિવસ ઉજવ્યો; ‘પ્રસ્થાનમ’નું ટીઝર લોન્ચ કર્યું

મુંબઈ – ‘મુન્નાભાઈ’ સીરિઝની ફિલ્મોને કારણે વધારે લોકપ્રિય થયેલો બોલીવૂડ અભિનેતા સંજય દત્ત આજે 60 વર્ષનો થયો છે. એણે તેનો જન્મદિવસ મુંબઈમાં પત્રકારો સમક્ષ તેની નવી આગામી ફિલ્મ ‘પ્રસ્થાનમ’નું ટીઝર લોન્ચ કરીને ઉજવ્યો હતો. એ પ્રસંગે એણે કેક કાપી હતી, જે વખતે એની પત્ની માન્યતા દત્ત, તથા ફિલ્મના કલાકારો – જેકી શ્રોફ, મનીષા કોઈરાલા, અલી ફઝલ, અમાઈરા દસ્તુર સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બોલીવૂડ અભિનેતા સંજય દત્તે 29 જુલાઈ, સોમવારે પોતાના 60મા જન્મદિવસની મુંબઈમાં ખાસ કાર્યક્રમમાં ઉજવણી કરી હતી. કાર્યક્રમ હતો એની આગામી હિન્દી ફિલ્મ ‘પ્રસ્થાનમ’નાં ટીઝરનું લોન્ચિંગ માટેનો. કાર્યક્રમમાં સંજયની પત્ની માન્યતા (જે ‘પ્રસ્થાનમ’નાં સહ-નિર્માત્રી પણ છે), ફિલ્મના કલાકારો જેકી શ્રોફ, મનીષા કોઈરાલા, અલી ફૈઝલ, અમાઈરા દસ્તુર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં સંજયે તેની બર્થડે કેક કાપી હતી. ‘પ્રસ્થાનમ’ ફિલ્મ આગામી 20 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.

આ ફિલ્મ તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક છે. આ ફિલ્મ સંજય દત્ત અને તેની પત્ની માન્યતાએ નિર્માણ કરેલા ‘સંજય એસ. દત્ત પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મ આવતી 20 સપ્ટેંબરે રિલીઝ કરાશે.

આ રોમાંચક ડ્રામા ફિલ્મમાં સંજય એક મહત્ત્વાકાંક્ષી નેતાનો રોલ કરી રહ્યો છે.

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી 1999 અંકનો.

ફ્લેશબેક…

હું નાનો હતો ત્યારે મારાં માતાપિતા મારા પર બહુ સ્ટ્રિક્ટ હતાં. મને એ ફિલ્મી ચક્કરમાં પડવા દેતાં નહોતાં. આથી મારી દીવાલો પર પોસ્ટરો ચોંટાડવાનો કોઈ સવાલ જ નહોતો. જોકે મમ્મી નરગિસની ફિલ્મો મેં એટલી જોયેલી કે એ જ મારી આદર્શ બની ગઈ હતી. એ અરસામાં ક્રિકેટ અને ટેબલ ટેનિસ મારી ફેવરિટ ગેમ્સ હતી. કિશોર વયે મને ખરીદી અપાયેલી મારી મોબાઈક મારી પ્રિય હતી. હું એ ચલાવતાં ચલાવતાં પાઈલટ બનવાનાં સપનાં જોયા કરતો. કિશોર વયે તો જે ફેશન ચાલતી હોય એવી જ હું પણ કરતો, પણ મોટો થયો અને ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારથી ફેશન વિશે વધુ સભાન થઈ ગયો. જિંદગીમાં ફૂલ અને કાંટા બંને હોય છે અને મેં બંને ભોગવ્યાં છે. મેં કરેલા સારાનરસા અનુભવોએ જ મને ઘડ્યો છે અને આજે હું કહી શકું છું કે હું પરિપક્વ થઈ ગયો છું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]