બૈજુ રવીન્દ્રન છે ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના નવા અબજોપતિ

મુંબઈ – અગ્રગણ્ય એડટેક સ્ટાર્ટઅપ – BYJUના નવા ફંડિંગ રાઉન્ડ બાદ કંપનીના સ્થાપક અને સીઈઓ બૈજુ રવીન્દ્રન ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના નવા અબજોપતિ બન્યા છે.

બ્લુમ્બર્ગના અહેવાલ મુજબ, આ મહિનાના આરંભમાં BYJU કંપનીએ ફંડિંગમાં 15 કરોડ ડોલર ઊભા કર્યા બાદ તેનું વેલ્યૂએશન વધીને 5.7 અબજ ડોલરનું થયું છે. બૈજુ રવીન્દ્રન આ કંપનીમાં 21 ટકા હિસ્સો ધરાવતા હોવાનું કહેવાય છે.

આમ, ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના અબજોપતિઓની યાદીમાં હવે એડટેક સ્ટાર્ટઅપના આ સ્થાપક પણ સામેલ થયા છે. આ યાદીમાં ફ્લિપકાર્ટના સ્થાપકો સચીન બંસલ અને બિન્ની બંસલ, પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા, મિડિયા ડોટ નેટના સ્થાપક દિવ્યાંક તુરખીયા અને ઝેરોધાના સ્થાપક નીતિન કામતનો સમાવેશ થાય છે.

બૈજુ એપના સંસ્થાપક બૈજુ કેરળમાં જન્મ્યા છે અને મલયાલમ સ્કૂલમાં ભણ્યા હતા. એમને ક્રિકેટમાં પણ ઘણી રૂચિ છે અને તેઓ રનિંગ કોમેન્ટ્રી આપવા માટે એમણે અંગ્રેજી ભાષા પણ શીખી હતી.

37 વર્ષના બૈજુ ભૂતપૂર્વ સ્કૂલ ટીચર છે. નાના કોચિંગ ક્લાસ એમણે એમની વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ કર્યો હતો અને આજે એમણે બનાવી છે કરોડો રૂપિયાની કિંમતની કંપની.

કોચિંગ ક્લાસના ટીચર તરીકે એમણે એક એજ્યૂકેશન એપ બનાવી હતી અને સાત વર્ષમાં જ તેનું વેલ્યૂએશન 6 અબજ ડોલર થયું.

બૈજુની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ આ મહિનાના આરંભમાં 15 કરોડ ડોલરનું ફંડિંગ મેળવ્યું હતું. હવે એમની એપ વોલ્ટ ડિઝની કંપની સાથે સહયોગ કરવાની છે અને પોતાની સેવા 2020ના આરંભ સુધીમાં અમેરિકાનાં લોકોને આપતી થઈ જશે.