લખનઉઃ પાન મસાલા અને ગુટકા ચાવવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એનાથી કેન્સર થાય છે. આવી લાઈન પાન મસાલા અને ગુટકાની જાહેરખબરોમાં તો બધાએ સાંભળી જ હશે, પણ શું માત્ર આ લાઈન સાંભળીને લોકો ગુટકા, પાન મસાલા ખાવાનું છોડી દેશે? જ્યારે બીજી બાજુ, દેશના નામાંકિત ફિલ્મ કલાકારો તો લોકોને આ ચીજો ખાવાની સલાહ આપે છે. વળી, ગુટકા, પાન મસાલાની જાહેરખબર એવા કલાકારો કરી રહ્યા છે જેમને દેશ તરફથી પદ્મ પુરસ્કારો એનાયત કરીને સમ્માનિત કર્યા છે. પરંતુ હવે કદાચ એવું નહીં બને. કારણ કે ગુટકા, પાન મસાલા બનાવતી કંપનીઓ અને એમનો પ્રચાર કરતા અભિનેતાઓ જેમ કે, અજય દેવગન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની મુસીબત વધી શકે છે.
અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે મોતીલાલ યાદવ નામના એક વકીલ અરજદારની અરજી પર સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. કોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ અને કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરિટીના મુખ્ય કમિશનરની ઝાટકણી કાઢી છે અને એમને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે. ન્યાયમૂર્તિ રાજેશસિંહ ચૌહાણે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરિટીનાં મુખ્ય કમિશનર નિધિ ખરેને નોટિસ મોકલી છે અને ચાર સપ્તાહમાં કોર્ટમાં એમનો જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
અરજદાર વકીલે એવી દલીલ કરી છે કે પદ્મ પુરસ્કારથી સમ્માનિત હસ્તીઓ પાન મસાલા, ગુટકાની જાહેરખબરોમાં કામ કરે એ જરાય ઉચિત નથી અને નૈતિક પણ નથી. એમણે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કોર્ટને વિનંતી કરી છે. કોર્ટે સુનાવણી માટે 9 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.
કોર્ટે અગાઉ ઉક્ત બંને અધિકારીઓને પૂછ્યું હતું કે તમે આ મામલે કોઈ કાર્યવાહી કરી છે કે નહીં, પરંતુ એમની તરફથી કોઈ જવાબ ન આવતાં કોર્ટ રોષે ભરાઈ છે અને અદાલતના તિરસ્કારની નોટિસ એમને ફટકારી છે.