નવી દિલ્હીઃ સુકેશ ચંદ્રશેખરથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે. બોલીવૂડની બે એક્ટ્રેસિસ આ કેસમાં એકમેકની સામે થઈ ગઈ છે. નોરા ફતેહીએ દિલ્હી કોર્ટમાં જેકલિન ફર્નાન્ડિસ અને કેટલીક મિડિયા કંપનીઓની સામે માનહાનિનો કેસ કર્યો છે. નોરાનો આરોપ છે કે મહાઠગ સુકેશ ચંદ્રશેખરથી જોડાયેલા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેના નામનો જબરદસ્તી ઉપયોગ કરવામાં આવ્યો છે. સુકેશ સાથે તેનો કોઈ સીધો સંપર્ક નહોતો. સુકેશની પત્ની લીના મારિયા પોલ દ્વારા તે સુકેશને ઓળખતી હતી. તેણે સુકેશ પાસેથી ગિફ્ટ્સ મેળવી હોવાની વાતનું પણ ખંડન કર્યું હતું, વળી, મિડિયા ટ્રાયલને કારણે તેમની આબરૂને પણ ઠેસ વાગી છે, એમ નોરાએ કહ્યું હતું.
નોરાએ સુકેશ પાસે મોંઘી ભેટ લીધી હતી?
મની લોન્ડરિંગ કેસમાં EDના નિશાને જેકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી –બંને છે. આ કેસ બાબતે ED બંને એક્ટ્રેસિસની પૂછપરછ કરી ચૂકી છે. નોરા પર સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ભેટ-સોગાદ લેવાનો પણ આરોપ છે. જોકે નોરાએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે.
જોકે કહેવામાં આવ્યું છે કે નોરાના જિજા બોબીને રૂ. 65 લાખની BMWની કાર ગિફ્ટ કરી હતી. તપાસમાં એ વાત બહાર આવી હતી કે સુકેશે BMWની ઓફર કરી હતી, પણ એક્ટ્રેસે એ કાર લેવાથી ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ નોરાએ સુકેશનો નંબર બ્લોક કર્યો હતો.