મુંબઈઃ બોલીવુડ અભિનેતા અરમાન કોહલીની અહીં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના અધિકારીઓએ ધરપકડ કરી છે. અરમાનના અંધેરી સ્થિત ઘરમાં તલાશી લેવાતા પ્રતિબંધિત માદક દ્રવ્ય કોકેનનો નાનકડો જથ્થો મળી આવ્યો હતો. આ તલાશી ગઈ કાલે લેવામાં આવી હતી. NCBના અધિકારીઓએ અરમાનને આજે એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યો હતો અને કોર્ટે તેને એક દિવસ માટે NCBની કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે. NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા મુજબ, એજન્સીએ શનિવારે મોડી સાંજે અરમાનના ઘેર દરોડો પાડ્યો હતો અને ત્યારબાદ એને એજન્સીના કાર્યાલય ખાતે લઈ જવાયો હતો.
બોલીવુડમાં પ્રસરેલા ડ્રગ્સના દૂષણ અને કાળા ધંધા વિરુદ્ધ NCB એજન્સીએ વ્યાપક યુદ્ધ આદર્યું છે. તેના ભાગરૂપે શનિવારે સવારે વરલી વિસ્તારમાંથી તેના અમલદારોએ અજય રાજુ સિંહ નામના એક ડ્રગ્સ દાણચોરને પકડ્યો હતો. એની પૂછપરછમાં અરમાન કોહલીનું નામ આવ્યું હોવાનું કહેવાય છે. અજયસિંહ સામે મુંબઈ પોલીસના નાર્કોટિક્સ-વિરોધી વિભાગે પણ અગાઉ કેસ નોંધ્યો હતો. NCBના અધિકારીઓએ પાકી બાતમી મળતાં શનિવારે હાજી અલી વિસ્તારમાં અજયસિંહને પકડ્યો હતો. એની પાસેથી 25 ગ્રામ મેફીડ્રોન પ્રતિબંધિત કેફી દ્રવ્ય મળી આવ્યું હતું. તરત જ એની ધરપકડ કરાઈ હતી. NCBએ સિંહ અને અરમાન વિરુદ્ધ NDPS કાયદાની અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
