મુંબઈઃ મહારાષ્ટ્ર પોલીસના સાઈબર વિભાગે બોલીવૂડ અભિનેત્રી અમિષા પટેલનાં હેક કરવામાં આવેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પાછો મેળવી આપ્યો છે. છેતરપિંડી કરીને અમિષાનો એકાઉન્ટ હેક કરવામાં આવ્યો હતો. અમિષાએ ગઈ 4 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર સાઈબર વિભાગમાં પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટને હેક કરાયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માત્ર 24 કલાકમાં જ એનો એકાઉન્ટ રિસ્ટોર કરાવ્યો હતો. અમિષાએ સાઈબર વિભાગનો આભાર માન્યો છે.
અમિષાને સીધો એનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર જ એવો સંદેશ મળ્યો હતો કે ઈન્સ્ટાગ્રામના કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તમારો એકાઉન્ટ 24-કલાકમાં સસ્પેન્ડ કરી દેવામાં આવશે. એ મેસેજની સાથે એક લિન્ક પણ આપવામાં આવી હતી. તેને ક્લિક કર્યાં બાદ અમિષા એક નકલી ઈન્સ્ટાગ્રામ પેજ પર ગઈ હતી જ્યાંથી એનો એકાઉન્ટ હેક કરવામાં આવ્યો હતો. હેકરે એનો એકાઉન્ટ બ્લોક કરી દીધો હતો અને એમાંની સામગ્રી ડિલીટ કરી દીધી હતી. પોલીસે કહ્યું કે અમિષાને તેનો એકાઉન્ટ હેક કરનાર લિન્ક નેધરલેન્ડ્સના એક યૂઆરએલમાંથી મોલવામાં આવી હતી જ્યારે આઈપી એડ્રેસ તૂર્કીનું હોવાનું માલૂમ પડ્યું છે. પોલીસે ઈન્સ્ટાગ્રામનો સંપર્ક કરી અમિષાનો એકાઉન્ટ રિસ્ટોર કરાવ્યો હતો અને જેમાં એની અગાઉની બધી સામગ્રી યથાવત્ છે.