મુંબઈઃ અમિતાભ બચ્ચન અભિનીત ‘મજબૂર’ અને ‘ખુદ્દાર’ સહિતની હિન્દી ફિલ્મોના દિગ્દર્શક અને નિર્માતા રવિ ટંડનનું નિધન થયું છે. 86 વર્ષના હતા અને અભિનેત્રી રવીના ટંડનનાં પિતા હતા. રવિ ટંડન છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. એમને અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમના નિધનની જાણકારી રવીનાએ જ સોશ્યલ મિડિયાના માધ્યમથી આપી છે. પોતાનાં સોશ્યલ મિડિયા એકાઉન્ટ્સ પર પિતા સાથેની એની કેટલીક તસવીરો પણ શેર કરી છે. રવિ ટંડનના પરિવારમાં એમના પત્ની વીણા અને પુત્ર રાજીવ છે.
ઉત્તર પ્રદેશના આગરાના પંજાબ પરિવારના રવિ ટંડને 1963માં સુનીલ દત્ત અભિનીત ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ ફિલ્મ બનાવીને એમની કારકિર્દીનો આરંભ કર્યો હતો. તે પછી એમણે ‘ખેલ ખેલ મેં’, ‘અનહોની’, ‘નઝરાના’, ‘ઝિંદગી’ ફિલ્મો પણ બનાવી હતી. એમની લગભગ બધી જ ફિલ્મો હિટ થઈ હતી.
