મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર-ખાને કહ્યું છે કે એનાં બંને દીકરા – તૈમૂરઅલી અને જહાંગીરઅલી (જેહ)મોટા થઈને અભિનેતા બને એવું પોતે ઈચ્છતી નથી. એને બદલે તેઓ એમની કારકિર્દી માટે કોઈ અલગ માર્ગ પસંદ કરશે તો પોતાને ખુશી થશે એવું તેણે કહ્યું છે. એક મુલાકાતમાં કરીનાએ કહ્યું કે, ‘ટીમ (પાંચ વર્ષના તૈમૂરને એ ટીમ કહે છે) જ્યારે આવીને મને કહેશે કે પોતે કંઈક અલગ જ બનવા માગે છે ત્યારે મને બહુ જ ગમશે… ભલેને એ માઉન્ટ એવરેસ્ટ ચડે… એ એની પસંદગી હશે. હું તો મારાં દીકરાઓની પડખે રહેવાનું અને એમને સાથ આપવાનું પસંદ કરીશ. હું તો એટલું ઈચ્છીશ કે મારાં બંને દીકરા સંપૂર્ણપણે સજ્જન બને. એમને જોઈને લોકો કહે કે બંને દીકરાનો સરસ રીતે ઉછેર કર્યો છે, કેટલા દયાળુ હૃદયના છે. ત્યારે હું સમજીશ કે મારું કામ સરસ રીતે થયું છે.’
કરીના અને તેનાં અભિનેતા-પતિ સૈફ અલી ખાનને બે પુત્ર છે. તૈમૂરઅલીનો જન્મ 2016માં થયો હતો જ્યારે જહાંગીરઅલીનો જન્મ ગયા ફેબ્રુઆરીમાં થયો હતો.
