વિદ્યા, શેફાલી અભિનીત ‘જલસા’ ફિલ્મનું શૂટિંગ શરૂ

મુંબઈઃ ટી-સિરીઝ અને અબુદંતિયા એન્ટરટેનમેન્ટ એક વધુ ફિલ્મ બનાવવા માટે સહયોગ કર્યો છે. નવી ફિલ્મનું નામ છે ‘જલસા’, જેનું શૂટિંગ ગઈ કાલથી મુંબઈમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ 2022માં રિલીઝ કરાશે. આ ફિલ્મમાં અભિનેત્રીઓ વિદ્યા બાલન અને શેફાલી શાહ કરારબદ્ધ કરવામાં આવી છે. ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે સુરેશ ત્રિવેણી, જેમણે ‘તુમ્હારી સુલુ’ બનાવી હતી. એ ફિલ્મમાં પણ વિદ્યા બાલન હતી.

અબુદંતિયા એન્ટરટેનમેન્ટ નિર્મિત આ બીજી ફિલ્મમાં વિદ્યા ચમકશે. તાજેતરમાં જ ‘શેરની’ ફિલ્મમાં પણ એ જોવા મળી હતી. ‘જલસા’માં રોહિણી હટંગડી, ઈકબાલ ખાન, માનવ કોલ જેવા કલાકારો પણ છે. ‘જલસા’ એક માનવીય વાર્તા પર આધારિત ફિલ્મ છે. વિદ્યાએ કહ્યું છે કે, ‘સુરેશ ત્રિવેણી, અબુદંતિયા અને ટી-સિરીઝ સાથે ફરીથી કામ કરવાનો મોકો મળ્યો છે તેથી હું ખુશ છું અન શેફાલી સાથે કામ કરવા માટે ઉત્સૂક છું.’ શેફાલીએ પણ કહ્યું કે, ‘હું વિદ્યા બાલન સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું એમની પ્રશંસક રહી છું. મને ‘જલસા’ની વાર્તા એક અનોખા દ્રષ્ટિકોણ પર આધારિત છે. મને વાર્તા સંભળાવી કે તરત જ હું આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ ગઈ હતી.’