નવી દિલ્હીઃ નેટફ્લિક્સ પર જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ રિલીઝ થઈ. આ ફિલ્મ રિલીઝ થવાની સાથે જ હવે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મમાં ઇન્ડિયન એર ફોર્સ (IAF)ની નકારાત્મક છબિને દર્શાવતાં સેના નારાજ છે. ઇન્ડિયન એર ફોર્સને વિના કારણે નકારાત્મક દર્શવવાના પ્રયાસો પર નારાજગી જાહેર કરતાં સેન્સર બોર્ડને પત્ર લખ્યો છે. આ ફિલ્મ ઇન્ડિયન એર ફોર્સ ઓફિસર ગુંજન સક્સેનાની જિંદગી પર આધારિત છે, જે 1999ના કારગિલ વોરની પહેલી મહિલા પાઇલટ હતી.
ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ
આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ કરણ જોહર અને ધર્મ પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે. નેટફ્લિક્સ અને ધર્મ પ્રોડક્શન્સને મોકલેલા પત્રમાં એર ફોર્સે કહ્યું છે કે પ્રારંભિક સહમતી મુજબ શરૂઆતમાં સહમતી અનુસાર ધર્મ પ્રોડક્શન્સે કહ્યું હતું કે ફિલ્મમાં ઇન્ડિયન એર ફોર્સના સન્માનનું પૂરું ધ્યાન રાખવામાં આવશે અને એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે ફિલ્મમાં ભાવિ પેઢીને એર ફોર્સમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર એર ફોર્સના અધિકારીઓનું કહેવું છે કે આ ફિલ્મમાં કેટલાંક સીન પર વાંધો ઉઠાવતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને પત્ર લખવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે ફિલ્મના આ સીન્સમાં અકારણ ખોટી રીતે ઇન્ડિયન એર ફોર્સને દર્શાવવાના પ્રયત્નો થયા છે.
સંરક્ષણ મંત્રાલય પણ પહેલાં સેન્સર બોર્ડને પત્ર લખ્યો
વેબ સિરીઝમાં સેનાને દર્શાવવાના પ્રકારથી સંરક્ષણ મંત્રાલય પહેલાં જ સેન્સર બોર્ડને પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યું છે. મંત્રાલયે વેબ સિરીઝમાં સેનાને દર્શાવવાના પ્રકાર પર મોટો વાંધો ઉઠાવતાં પાછલા મહિને એક પત્ર લખ્યો હતો. આ પત્ર દ્વારા આગ્રહ કર્યો હતો કે કોઈ પણ ફિલ્મ, ડોક્યુમેન્ટરી અથવા વેબ સિરીઝને આર્મી થિમ પર પ્રસારિત કરતાં પહેલાં પ્રોડક્શન હાઉસે મંત્રાલય પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાની સલાહ અપાવવી જોઈએ.
આ પત્રમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે મંત્રાલયના સૈન્ય અધિકારી અને મિલિટરીની યુનિફોર્મને અપમાનિત કર્યાની ફરિયાદ મળી હતી. ત્યાર બાદ મંત્રાલય દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં આ સંબંધે સંરક્ષણ મંત્રાલય દ્વારા માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ પત્ર લખવામાં આવ્યો હતો.
કરણ જોહરની માલિકીવાળા ધર્મ પ્રોડક્શન્સની આ ફિલ્મની વાર્તા ઇન્ડિયન એર ફોર્સની પહેલી મહિલા પાઇલટ પર કેન્દ્રિત છે, જે 1999ના કારગિલ વોરનો હિસ્સો હતી. ગુંજને કારગિલ વોર દરમ્યાન ઘાટલ સૈનિકોની બચાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને આ સાહસ બતાવવા બદલ તેને શોર્ય વીર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પત્રમાં એર ફોર્સે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ સેવા દરમ્યાન એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે સંગઠન જેન્ડરને મામલે તટસ્થ રહે અને આમાં હંમેશાં પુરુષ અને મહિલા કર્મચારીઓને સમાન તક આપવામાં આવે છે.