સતિષ શાહ કોરોના સામે વિજયી; ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કર્યો

મુંબઈઃ હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોના ચરિત્ર અભિનેતા સતિષ શાહ ગયા મહિને કોરોના વાઈરસ બીમારીનો શિકાર બન્યા હતા, પણ હવે પોતે સ્વસ્થ છે. આ જાણકારી એમણે પોતે જ આપી છે.

69 વર્ષીય શાહને ટાંકીને એક અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે સતિષ શાહને ગઈ 20 જુલાઈએ કોરોના થયાનું માલૂમ પડ્યા બાદ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 28 જુલાઈએ એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને આજે 11 ઓગસ્ટે તેમણે પોતાના ક્વોરન્ટાઈ પીરિયડનો છેલ્લો દિવસ પૂરો કર્યો છે.

શાહે એમના અનવેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ પરથી કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે હું હવે સંપૂર્ણપણે સ્વસ્થ છું. નિયમો અનુસાર મારે 11 ઓગસ્ટ સુધી સ્વયંને ક્વોરન્ટાઈન અવસ્થામાં રાખવાનો છે. મને થોડોક તાવ આવ્યો હતો, જેની મેં અમુક દવા લઈને દબાવી દેવાની કોશિશ કરી હતી. પરંતુ બાદમાં મને સલાહ આપવામાં આવી હતી કે મારે તબીબી ચકાસણી કરાવી લેવી જોઈએ. એ ટેસ્ટ કરાવ્યા બાદ મારો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. હું તરત જ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો.

શાહે પોતે જ કહ્યું છે કે તેઓ મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)ની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા.

શાહે કહ્યું છે કે હું તો દરેક જણને સલાહ આપું છું કે દરેક જણ પોતાનું સ્વાસ્થ્ય સતત ચેક કરતા રહે જેથી કોઈ પ્રકારે ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી ન થાય. એમાં ગભરાવા જેવું કંઈ જ નથી.