હૃતિક, ભૂતપૂર્વ પત્ની સુઝેન દીકરાઓની સંભાળ લેવા સાથે રહેવા માંડ્યા

મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો ફેલાવાને કારણે પોતાના બંને દીકરાની સંભાળ લેવા માટે બોલીવૂડ એક્ટર હૃતિક રોશન અને એની ભૂતપૂર્વ પત્ની સુઝેન ફરી સાથે રહેવા માંડ્યા છે.

કોરોનાએ સર્જેલા ગભરાટને કારણે બંને પુત્રોની સંભાળ લેવા માટે પોતાની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન થોડાક સમય માટે પોતાની સાથે રહેવા આવતાં હૃતિક લાગણીવશ થઈ ગયો છે.

એણે આ જાણકારી સોશિયલ મિડિયા પર આપી છે. એણે સુઝેન માટે થેંક્યૂ નોંધ મૂકી છે અને લખ્યું છે કે આજે આખો દેશ લોકડાઉનમાં અમલ કરી રહ્યો છે ત્યારે હું મારા બાળકોથી અલગ રહું એવી એક પિતા તરીકે હું કલ્પના પણ ન કરું.

ઘેરી અચોક્કસતા અને મહિનાઓ સુધી સામાજિક રીતે વિખૂટાપણાની સંભાવના તેમજ અનેક અઠવાડિયાઓના લોકડાઉનના સમયે સમગ્ર વિશ્વ સંગઠિત થયું છે એ આનંદના સમાચાર છે, એમ હૃતિકે વધુમાં લખ્યું છે.

દુનિયામાં જ્યારે માનવતા એકત્રિત થઈ રહી છે ત્યારે કોઈ માતાપિતા એમનાં બાળકોનો કબજો સાથે મળીને નિભાવે કરે એ બહુ જ સારો વિચાર કહેવાય. સંતાનો પર પતિ-પત્ની બંનેનો સમાન અધિકાર હોય છે ત્યારે બીજાના અધિકારનું ઉલ્લંઘન કર્યા વિના બાળકોને કેવી રીતે સાથે રાખવા એ શીખવું જ જોઈએ, એમ હૃતિક વધુમાં કહે છે.

આ પોસ્ટ મૂકવા સાથે હૃતિકે પલંગ પર બેસીને મગમાં કોફી પીતી સુઝેનનો ફોટો પણ મૂક્યો છે. અને લખ્યું છેઃ આ તસવીરમાં મારી પ્રિય સુઝેન (મારી ભૂતપૂર્વ પત્ની) છે, જે સ્વૈચ્છિક રીતે કામચલાઉ રીતે મારી સાથે રહેવા આવી ગઈ છે, જેથી અમારા બાળકો અમારા બેઉ જણથી અચોક્કસ મુદત સુધી અલગ ન રહે. થેંક્યુ સુઝેન આવો સાથ આપવા બદલ અને માતાપિતા તરીકેની ફરજ અદા કરવાની સફરમાં સમજદારી દાખવવા બદલ.

ઉલ્લેખનીય છે કે, હૃતિક અને સુઝેને 2013માં એમનાં લગ્નજીવનનો અંત લાવી દેવાનું નક્કી કર્યું હતું અને 2014માં છૂટાછેડા લીધા હતા. બંનેને બે પુત્ર છે – રેહાન અને રીધાન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]