લોકડાઉનથી દેશને GDPના ચાર ટકા નુકસાન થશે

મુંબઈઃ કોરોના વાઇરસના લીધે દેશભરમાં લોકડાઉનથી આર્થિક ક્ષેત્રે ભારે નુકસાન ખમવું પડશે. આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોવિડ-19થી લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને આશરે 120 અબજ ડોલર (આશરે નવ લાખ કરોડ રૂપિયા)નું નુકસાન ભોગવવું પડશે. આ નુકસાન દેશની કુલ જીડીપીના ચાર ટકાની આસપાસ છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ કોરોનાને લીધે દેશના આર્થિક વૃદ્ધિદરના અંદાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તેમણે આર્થિક પેકેજની જાહેરાત કરવાની માગ કરી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે રિઝર્વ બેન્ક પણ વ્યાજદરોમાં ભારે ઘટાડો કરે એવી સંભાવના છે. એવી પરિસ્થિતિમાં રાજકોષીય ખાધનું લક્ષ્ય જાળવવાનું બહુ મુશ્કેલ છે. મધ્યસ્થ બેન્કે નવા નાણાકીય વર્ષમાં તેની પહેલી દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે મહત્ત્વના વ્યાજદરોની જાહેરાત ત્રીજી એપ્રિલે કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા માટે ત્રણ સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉનની ગઈ કાલે જાહેરાત કરી હતી.

GDPના ચાર ટકા નુકસાન થવાનો અંદાજ

બ્રિટનની બ્રોકરેજ કંપની બાર્કલેઝે કહ્યું હતું કે અમારા અંદાજ પ્રમાણે દેશમાં સંપૂર્ણ લોકડાઉનથી 120 અબજ ડોલર એટલે કે GDPના ચાર ટકાની આસપાસનું નુકસાન થશે. કંપનીએ નાણાકીય વર્ષ 2020-21 માટે દેશનો આર્થિક વૃદ્ધિદર 3.5 ટકા રહેવાનો અંદાજ્યો છે.

કંપનીએ કહ્યું હતું કે માત્ર ત્રણ સપ્તાહના દેશવ્યાપી લોકડાઉનથી 90 અબજ ડોલરનું નુકસાન થશે. આના પહેલાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્ય સરકાર લોકડાઉનની જાહેરાત કરી ચૂકી છે. જોકે આ રાજ્ય સરકારોએ કરેલા લોકડાઉનથી થનારા નુકસાનને આમાં સામેલ નથી કરવામાં આવ્યું.

રિઝર્વ બેન્ક 0.5 ટકાથી વધુનો ઘટાડો કરે એવી શક્યતા

બ્રોકરેજ હાઉસિસના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેન્ક એપ્રિલમાં મહત્ત્વના વ્યાજદરોમાં 0.65 ટકાનો ઘટાડો કરે એવી સંભાવના છે.કંપનીના જણાવ્યા મુજબ રિઝર્વ બેન્ક વ્યાજમાં એક ટકા સુધીનો પણ ઘટાડો કરે એવી પણ શક્યતા છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામન અર્થતંત્રને થયેલા નુકસાન સામે આર્થિક પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવાના છે.