મુંબઈઃ હાલ જેલમાં પૂરાયેલા આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુએ આગામી હિન્દી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ના નિર્માતાઓને લીગલ નોટિસ મોકલી છે. આ ફિલ્મમાં મનોજ બાજપેઈ મુખ્ય ભૂમિકામાં છે અને તે એક વકીલના રોલમાં છે. આ ફિલ્મ એક સગીર વયની કન્યા પર બળાત્કારના POCSO કાયદા હેઠળના એક કેસને લગતી છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ ફિલ્મનું ટ્રેલર ઓનલાઈન રિલીઝ કરાયા બાદ આસારામ બાપુએ નિર્માતાઓને નોટિસ મોકલી છે. કારણ કે ઘણા દર્શકોએ આસારામ બાપુના કેસ અને ફિલ્મની વાર્તા વચ્ચે વિચિત્ર સામ્ય હોવાનું જણાવ્યું છે.
આસારામ બાપુએ એમના વકીલ મારફત જણાવ્યું છે કે આ ફિલ્મ એમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવી તેમજ એમના અનુયાયીઓની લાગણીને દુભાવે એવી છે.
ફિલ્મમાં મનોજ બાજપેઈ હાઈકોર્ટના વકીલ પી.સી. સોલંકીનો રોલ કરે છે, જે સ્વયંઘોષિત ગુરુને અપરાધી હોવાનું શોધી કાઢે છે અને તેને બળાત્કારના ગુના બદલ જેલની સજા કરાવે છે.
આસારામ બાપુના વકીલે કોર્ટને વિનંતી કરી છે કે આ ફિલ્મની રિલીઝ પર નિયંત્રણો લાદવામાં આવે.
નિર્માતા આસીફ શેખની આ ફિલ્મ 23 મેએ ઝી5 પર રિલીઝ થવાની છે.