કોરોનાસંકટઃ ગૌતમ ગંભીરની સંસ્થાને અક્ષયકુમારનું રૂ.1-કરોડનું દાન

મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે ભારત દેશ તેની અત્યાર સુધીની સૌથી મોટી આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યો છે. કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડરોની અછતની સમસ્યાએ ચિંતા વધારી દીધી છે. આ મુશ્કેલ સમયમાં અને રોગચાળાને કાબૂમાં લાવવા માટેના જંગમાં મદદરૂપ થવા બોલીવૂડની અનેક નામાંકિત હસ્તીઓ આગળ આવી રહી છે. આ યાદીમાં નવો ઉમેરાયો છે અભિનેતા અક્ષયકુમાર.

અક્ષયે ક્રિકેટરમાંથી નેતા બનેલા અને હાલ પૂર્વ દિલ્હી મતવિસ્તારના ભાજપના સંસદસભ્ય ગૌતમ ગંભીરે શરૂ કરેલી સંસ્થા (ગૌતમ ગંભીર ફાઉન્ડેશન)ને રૂ. એક કરોડનું દાન આપ્યું છે. આ સમાચાર ગંભીરે સોશિયલ મિડિયા પર શેર કર્યા છે. તેમણે લખ્યું છે કે, આ નિરાશાજનક સમયમાં કરાનાર દરેક મદદ લોકો માટે આશાના એક કિરણ જેવું છે. જરૂરિયાતમંદ લોકો માટે અન્ન, દવાઓ અને ઓક્સિજન માટે GGFને રૂ. એક કરોડનું દાન કરવા બદલ હું અક્ષયકુમારનો આભારી છું. ઈશ્વર તમારી રક્ષા કરે. અક્ષયકુમારે પણ ગંભીરના એ ટ્વીટના જવાબમાં પોતાના હેન્ડલ પર લખ્યું છે કે આ ખરેખર કપરો સમય આવ્યો છે. હું મદદ કરી શક્યો છું એનો મને આનંદ છે. આશા છે કે આપણે સહુ આ કટોકટીમાંથી વહેલાસર પાર ઉતરીશું. સુરક્ષિત રહેશો.