મુંબઈઃ રણબીર કપૂર અભિનીત અને સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત ‘એનિમલ’ ફિલ્મ આ વર્ષમાં સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. એણે ભારતમાં અત્યાર સુધીમાં રૂ. 640 કરોડ અને વિશ્વસ્તરે રૂ. 875 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં ‘ઝોયા’નો રોલ કરનાર અભિનેત્રી તૃપ્તિ ડિમરી સૌનું ધ્યાન આકર્ષિત કરી ગઈ છે. ‘એનિમલ’થી એને મોટો ફાયદો થયો છે. એને મોટા બજેટવાળી એક નવી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મળી છે.
અહેવાલો અનુસાર, તૃપ્તિને ‘આશિકી 3’ ફિલ્મમાં કાર્તિક આર્યનની હિરોઈનનો રોલ મળ્યો છે. મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ ‘આશિકી’ની એ ત્રીજી આવૃત્તિ હશે. આનું દિગ્દર્શન અનુરાગ બાસુ કરવાના છે, જેઓ અગાઉ ‘બરફી’, ‘જગ્ગા જાસૂસ’ અને ‘ગેંગસ્ટર’ ફિલ્મો બનાવી ચૂક્યા છે. ‘આશિકી 3’નું શૂટિંગ 2024ના પહેલા ક્વાર્ટરમાં શરૂ કરાશે. ફિલ્મની રિલીઝ તારીખ હજી જાહેર કરાઈ નથી.
મૂળ ‘આશિકી’ ફિલ્મ 1990માં મહેશ ભટ્ટે બનાવી હતી. એમાં રાહુલ રોય અને અનૂ અગ્રવાલની રોમેન્ટિક જોડી હતી. ફિલ્મના ગીતોએ દેશભરના સંગીતપ્રેમીઓને ઘેલું લગાડ્યું હતું. તે પછી 2013માં ‘આશિકી 2’ ફિલ્મ આવી હતી, જેનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું હતું. તેમાં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની જોડી હતી. તે ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ થઈ હતી.