બોયફ્રેન્ડ સાથે લગ્નની અફવા પર શ્રુતિ હાસને પ્રતિક્રિયા આપી

નવી દિલ્હીઃ એક્ટ્રેસ શ્રુતિ હાસન છેલ્લા કેટલા દિવસોથી પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે ચૂપચાપ લગ્ન કરી લીધાં હોવાના સમાચાર છે. બોલીવૂડ સેલિબ્રિટી ઓરીએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેમણે તેના બોયફ્રેન્ડને પતિ ગણાવ્યો હતો. ઓરીએ રેડિટ પર આસ્ક મી એનિથિંગ સેશનમાં શ્રુતિ હાસનને લઈને અનેક નિવેદનો કર્યાં હતાં.

એ સેશનમાં તેમણે ખુલાસો કર્યો હતો કે એક કાર્યક્રમમાં શ્રુતિ હાસને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. એ વાતચીતમાં તેમણે શ્રુતિ હાસનના પ્રેમી શાંતનુ હઝારિકાને તેના પતિ તરીકે સંબોધિત કર્યો હતો, જેથી એક્ટ્રેસે ચૂપચાપ લગ્ન કરી લીધા હોવાની અફવાઓ વહેતી થઈ હતી. હવે હાલમાં એ વાત પર શ્રતિ હાસને એક પોસ્ટ શેર કરીને મૌન ભંગ કર્યું છે. શ્રુતિએ ઇન્સ્ટા પર એક પોસ્ટમાં લખ્યું છે. મેં લગ્ન નથી કર્યા. એવી વ્યક્તિ જે દરેક બાબતે ખુલ્લો છે તો પછી હું એને કઈ રીતે છુપાવું? જે લોકો મને બિલકુલ નથી જાણતા, કૃપયા શાંત થઈ જાય.

બીજી બાજુ, શ્રુતિ હાસનના બોયફ્રેન્ડ શાંતનુ હઝારિકાએ પણ ઇન્સ્ટા પર એક પોસ્ટમાં લગ્નની અફવા વિશે સ્પષ્ટતા કરી છે. તેણે લખ્યું છે કે તમારે શાંત થવું પડશે. જે લોકો અમને નથી ઓળખતા, કૃપયા અફવા ફેલાવવાનું બંધ કરે. શ્રુતિનો બોયફ્રેન્ડ ડૂડલ આર્ટિસ્ટ છે. જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મોટા કલાકાર રફતાર, ડિવાઇન, રિત્વિજ જેવા કલાકારો સાથે કામ કરી ચૂક્યો છે. તેઓ બંને એકમેકને વર્ષ 2018થી જાણે છે અને ડેટ કરી રહ્યા છે.