‘ખલ્લાસ ગર્લ’ ઈશા કોપ્પીકરે લીધાં છૂટાછેડા; 14 વર્ષના લગ્નજીવનનો અંત

મુંબઈઃ હિન્દી અને તામિલ ફિલ્મોની અભિનેત્રી ઈશા કોપ્પીકરે એનાં પતિ ટિમી નારંગ સાથે છૂટાછેડા લઈ લીધાં હોવાનો અહેવાલ છે. આ સાથે બંનેનાં 14 વર્ષના લગ્નજીવનનો તેમણે અંત લાવી દીધો છે. 47 વર્ષની ઈશા અને ટિમીએ 2009માં લગ્ન કર્યાં હતાં. એમને એક પુત્રી છે, રિઆના, જે હાલ 9 વર્ષની થઈ છે. મહારાષ્ટ્રના કોંકણીભાષી પરિવારમાં જન્મેલી ઈશા તેનાં પતિનાં ઘરમાં રહેતી હતી, પણ હવે એણે તેની પુત્રી સાથે ટિમીનું ઘર છોડી દીધું છે.

અમુક સમય પૂર્વે એવા અહેવાલો હતા કે ઈશા અને ટિમીને બનતું નથી. સંબંધમાં ખટરાગ ઊભો થતાં બંનેએ છૂટાં પડવાનું નક્કી કર્યું છે. લગ્નજીવન ટકાવી રાખવા માટે એમણે તમામ પ્રયત્નો કર્યા હતા, પરંતુ એમાં સફળતા ન મળતાં આખરે તેમણે છૂટાછેડા લઈ લીધાં છે. એક મહિનાથી તે એની દીકરી રિઆના સાથે અલગ રહે છે.

બંનેની પહેલી મુલાકાત એક જિમ્નેશિયમમાં થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને એમણે લગ્ન કર્યાં હતાં.

ઈશા છેલ્લે એક તામિલ ફિલ્મમાં જોવા મળી હતી. એ પહેલાં તે ‘લવ યૂ ડેમોક્રેસી’, ‘અસ્સી નબ્બે પૂરે સૌ’ અને ‘કવચ’ ફિલ્મોમાં દેખાઈ હતી. ‘કંપની’ ફિલ્મના ‘બચકે તૂ રહના… ખલ્લાસ’ ગીતથી તે બોલીવુડમાં જાણીતી થઈ હતી. એણે ‘પિંજર’, ‘ડરના મના હૈ’, ‘એલઓસી કારગિલ’, ‘રુદ્રાક્ષ’, ‘કૃષ્ણા કોટેજ’, ‘હમ તુમ’, ‘ક્યા કૂલ હૈં હમ’, ‘ડી’ અને ‘મૈં’ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઈશા અમુક મરાઠી, તેલુગુ, કન્નડ ફિલ્મોમાં પણ ચમકી છે. તે રાજકારણમાં પણ પ્રવેશી છે અને ભારતીય જનતા પાર્ટીના મહિલા ટ્રાન્સપોર્ટ વિભાગની પ્રમુખ છે.