મુંબઈઃ હાલ જેલમાં પૂરવામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સૂચના મુજબ તૈયાર કરવામાં આવેલા ટાર્ગેટ લિસ્ટમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાનનું નામ પણ હતું. બિશ્નોઈ પર આરોપ છે કે એણે પંજાબી ગાયક અને કોંગ્રેસી નેતા સિધુ મુસેવાલાની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું.
પંજાબના પોલીસ વડા ગૌરવ યાદવે કહ્યું છે કે મૂસેવાલા હત્યા કેસના આરોપી કપિલ પંડિતે પૂછપરછમાં એમ જણાવ્યું હતું કે સલમાન ખાનની હત્યા કરવા માટે લોરેન્સ બિશ્નોઈએ સંપત નેહરા અને કેનેડાસ્થિત ભાગેડૂ ગોલ્ડી બ્રાર મારફત પોતાનો સંપર્ક કર્યો હતો.
સલમાનની હત્યા કરવાના પ્લાનમાં પંડિતની સાથે સચીન થાપન અને સંતોષ જાધવ પણ સામેલ હતા. મૂસેવાલા હત્યા પ્રકરણમાં જાધવની મહારાષ્ટ્રમાં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે થાપનને આઝરબૈજન દેશમાં પકડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈ 29 મેએ પંજાબના માનસા જિલ્લામાં મૂસેવાલાને ઠાર મારવામાં આવ્યો તેના ત્રણ દિવસ બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.