નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મુંબઈ નિવાસસ્થાને થયેલા વિવાદાસ્પદ મૃત્યુના કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સીબીઆઈને સુપરત કરવાની બિહાર સરકારની વિનંતીનો કેન્દ્ર સરકારે આજે સ્વીકાર કર્યો છે.
કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટને જાણ કરી દીધી છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરાવવાની બિહાર સરકારની વિનંતીનો તેણે સ્વીકાર કરી લીધો છે.
આ કેસની તપાસના મામલે મુંબઈ (મહારાષ્ટ્ર) અને પટના (બિહાર)ની પોલીસ વચ્ચે ઊભા થયેલા રાજકીય ખટરાગ વચ્ચે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ સાથે જ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે કે નહીં એની અટકળોનો હવે અંત આવી ગયો છે.
ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં પોતાના નિવાસસ્થાને સુશાંતના થયેલા મૃત્યુના કેસમાં તપાસ સીબીઆઈને સોંપવામાં આવે એવી ભલામણ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ગઈ કાલે કરી હતી. સુશાંતના પિતા કે.કે. સિંહ રાજપૂતે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે એવી વિનંતી અગાઉ નીતિશ કુમારને કરી હતી. એમનો આરોપ છે કે ગયા ફેબ્રુઆરીમાં એમના પુત્રનો જાન જોખમમાં હોવા વિશે પોતે જાણ કરી હોવા છતાં મુંબઈ પોલીસે કોઈ પગલું ભર્યું નહોતું.
આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે એની સામે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. એણે એવો આક્ષેપ કર્યો હતો કે પટનામાં જે પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે તે રાજકારણ પ્રેરિત છે અને આ કેસમાં તપાસ કરવાનો બિહારની પોલીસને કોઈ અધિકાર નથી.