રામમંદિર ભૂમિપૂજન પ્રસંગે દીપિકા ચિખલિયાએ ખુશી વ્યક્ત કરી

મુંબઈઃ ભારતના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ મહત્ત્વનો અને યાદગાર છે, કારણ કે આજે ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ યાત્રાધામ અયોધ્યામાં ભગવાન શ્રીરામના બાળસ્વરૂપ રામલલાના જન્મસ્થળ, જ્યાં રામજન્મભૂમિ મંદિર બંધાવાનું છે ત્યાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. દાયકાઓના કાનૂની સંઘર્ષ બાદ આખરે આજે એ સુવર્ણ દિવસ ઉગ્યો છે જ્યારે ભગવાન શ્રીરામના જન્મસ્થળે મંદિરનું ખાતમુહૂર્ત થયું.

આ શિલાન્યાસ પ્રસંગે દેશવાસીઓમાં આનંદની લહેર ફરી વળી છે ત્યારે લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા-ટોપીવાલાએ પણ ખુશી વ્યક્ત કરી છે. એમણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લોકોને અભિનંદન આપ્યાં છે.

પોતાનાં જમણા હાથમાં દીવડો લઈને દીપિકાએ લોકોને અભિનંદન આપતાં લખ્યું છેઃ આજનો દિવસ પ્રત્યેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. 500 વર્ષના સંઘર્ષ બાદ આજે ભગવાન શ્રીરામ પોતાના ઘરમાં પાછા ફર્યા છે. એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

દીપિકાએ એક વિડિયો પોસ્ટ કર્યો છે. હાથમાં દીવડો પકડીને એ બોલે છેઃ ‘જય સિયા રામ. આપ સહુને ખૂબ ખૂબ અભિનંદન. રામ મંદિરના ભૂમિપૂજનના અવસરે જ્યોત સે જ્યોત જલાતે ચલો, રામ કા નામ જપતે ચલો. જય સિયા રામ.’ આ સાથે એમણે આ હેશટેગ મૂક્યા છેઃ #ram #mandir #ayodhya #sita #ramsita #sitaram #narendramodi #ramayan #ramayana #lights #diwali #deepavali”