આમિર કોરોનાનો શિકાર બન્યો; સંજયે રસી લીધી

મુંબઈઃ બોલીવૂડનો એક વધુ સિતારો કોરોનાવાઈરસની ઝપટમાં આવ્યો છે. સુપરસ્ટાર આમિર ખાનના પ્રવક્તાએ જ જાહેરાત કરી છે કે આમિરને કોરોના થયો છે અને એણે પોતાને ઘરમાં જ સેલ્ફ-ક્વોરન્ટીન કરી લીધો છે. આમિરવતી પ્રવક્તાએ તાજેતરના ભૂતકાળમાં આમિરના સંપર્કમાં રહ્યા હોય અને એ તમામને સાવચેતી ખાતર કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની પણ સાથોસાથ વિનંતી કરી છે. બોલીવૂડમાં અત્યાર સુધીમાં અનેક હસ્તીઓ કોરોનાનો શિકાર થઈ ચૂકી છે, જેમ કેઃ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય-બચ્ચન અને એમની પુત્રી આરાધ્યા, નીતૂસિંહ-કપૂર – એમનો પુત્ર રણબીર કપૂર, વરુણ ધવન, કૃતિ સેનન, સિદ્ધાંત ચતુર્વેદી, કાર્તિક આર્યન, નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી વગેરે.

બીજી બાજુ, ‘મુન્નાભાઈ એમબીબીએસ’ સંજય દત્ત ગઈ કાલે બાન્દ્રા (ઈસ્ટ)માં આવેલા બીકેસી ખાતે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કોવિડ-19 જમ્બો વેક્સિનેશન સેન્ટરમાં જઈને કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. એમણે રસી આપનાર ડોક્ટર તથા એમના સ્ટાફની પ્રશંસા કરતું ટ્વીટ પણ કર્યું હતું. 61-વર્ષના સંજયે રસી લેતા હોય એવી પોતાની તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી છે.