મુંબઈઃ સંજય લીલા ભણસાલી નિર્મિત-દિગ્દર્શિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં આલિયા ભટ્ટનાં અભિનયમાં એક નહીં, પણ બે ગરબા નૃત્ય-ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટ્રેલર હજી બહાર પાડવામાં આવ્યું નથી. દર્શકો એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. બંને ગરબા ગીત કોરિયોગ્રાફર કૃતિ મહેશ મિદ્યાએ નૃત્યબદ્ધ કરાવ્યાં છે. કૃતિએ જ ‘પદ્માવત’ ફિલ્મમાં ‘ઘૂમર’ ગીતની કોરિયોગ્રાફી માટે 2019માં બેસ્ટ કોરિયોગ્રાફરનો રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો હતો. કૃતિ મિદ્યાએ કહ્યું કે, આલિયા ભટ્ટે ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના બંને ગરબા ગીતના ડાન્સમાં એનો પૂરો જાન રેડી દીધો હતો. ગરબા ગીતનું શૂટિંગ ચાલુ હતું એ દરમિયાન જ આલિયાને કોરોના બીમારી લાગુ પડી હતી અને શૂટિંગ રદ કરવું પડ્યું હતું. સાજી થઈ ગયાં બાદ આલિયાએ બંને ગરબા ગીતનું શૂટિંગ પૂરું કરી દીધું હતું. ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં અલગ અલગ રીતે ગરબા ગવાય છે, રમાય છે. મુંબઈમાં તો એના કરતાં સાવ અલગ પ્રકારના જ ગરબા રમાય છે. કાઠિયાવાડી સ્ટાઈલના ગરબા અત્યંત અલગ પ્રકારના હોય છે. એમાં લોકો જે રીતે શરીરને વાળે છે અને તાળી પાડે છે એ અત્યંત રસપ્રદ છે. અમે એ પ્રકારનું બારીકાઈથી નિરીક્ષણ-અભ્યાસ કર્યા પછી ગરબા-ગીતોનું શૂટિંગ કરાવ્યું હતું.
‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ આવતા વર્ષે 6 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.