આર્યનના ટ્રોલર્સને શશિ થરૂરે કહ્યું, ‘થોડા સંવેદનશીલ બનો’

નવી દિલ્હીઃ મુંબઈની એક કોર્ટે બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન અને ગૌરી ખાનના પુત્ર આર્યન ખાનની NCBની કસ્ટડી સાત ઓક્ટોબર સુધી વધારી દીધી છે. આર્યન ખાનની ધરપકડ પછી એક લક્ઝરી ક્રૂઝ જહાજ પર રેવ પાર્ટીનો ખુલાસો થયો હતો.

આર્યન ખાનની ધરપકડ પછી શાહરુખ અને તેના પુત્રને ટ્રોલ કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. હવે આ મામલે સંદેવનશીલતા દેખાડતા કેટલાય લોકો શાહરુખ ખાનના સમર્થનમાં સામે આવી રહ્યા છે. આ લોકોમાં કોંગ્રેસ નેતા શશિ થરુરનું નામ પણ સામેલ છે. ટ્રોલર્સને શશિ થરૂરે કહ્યું, ‘થોડા સંવેદનશીલ બનો’

શશિ થરૂર સોશિયલ મિડિયા પર ઘણા સક્રિય રહે છે. તેમણે ટ્વિટર અકાઉન્ટ્સ પર આર્યન ખાનની ધરપકડ પર શાહરુખની હન્ટિંગની આલોચના કરી છે. તેમણે શાહરુખ અને તેના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું કે હું મનોરંજક દવાઓનો હિમાયતી નથી અને ક્યારેય પણ પ્રયાસ નથી કર્યો, પણ જે રીતે આર્યન ખાનની લોકો મજાક બનાવી રહ્યા છે, તેમાં નફરત અને ઘૃણા અનુભવાય છે. મિત્રો, કંઈક તો સહાનુભૂતિ રાખો. જાહેર રીતે આર્યનની બહુ બદનામી થઈ ચૂકી છે. આપણી મસ્તી માટે 23 વર્ષના યુવકની આટલી ટીકાની જરૂર નથી, એમ તેમણે કહ્યું હતું.

NCBના વકીલો અને આરોપીઓના વકીલ વચ્ચે કેટલાક કલાકો ચાલેલી દલીલ પછી કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવતાં એને ત્રણ દિવસો માટે એજન્સીની હિરાસતમાં એ લોકોને મોકલી દીધા હતા. આ આરોપીઓ પાસેથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, MDMA (એક્સટસી)ની 22 ગોળીઓ અને રૂ. 1.33 લાખ રોકડા જપ્ત કર્યા છે.