‘રામાયણ’ના રાવણ, દંતકથાસમાન ગુજરાતી-અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન

મુંબઈઃ સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ‘રામાયણ’ હિન્દી ટીવી સિરિયલના ‘રાવણ’ના પાત્રને કારણે દેશભરમાં લોકપ્રિય થયેલા અરવિંદ ત્રિવેદીનું અહીં કાંદિવલી નિવાસસ્થાને અવસાન થયું છે. તે 82 વર્ષના હતા. એમને ગઈ કાલે રાતે હાર્ટ એટેક આવ્યો હતો અને એમણે આખરી શ્વાસ લીધો હતો. અરવિંદભાઈના નિધનના કમનસીબ સમાચાર એમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ આપ્યા હતા. એમના જણાવ્યા મુજબ, અરવિંદભાઈની તબિયત છેલ્લા અમુક દિવસોથી સારી રહેતી નહોતી.

અરવિંદભાઈએ એમની 40-વર્ષ લાંબી કારકિર્દીમાં 300 જેટલી ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘રામાયણ’ સિરિયલ ઉપરાંત ‘વિક્રમ ઔર બેતાલ’ ટીવી સિરિયલમાં પણ એમની ભૂમિકા ખૂબ વખાણવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’માં એમણે ભજવેલી દાદાની ભૂમિકાની વ્યાપક રીતે પ્રશંસા કરવામાં આવી હતી. એ ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

અરવિંદભાઈ ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય પણ હતા. તેઓ 1991માં ગુજરાતના સાબરકાંઠાની સીટ પર ભાજપની ટિકિટ પર લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 1996 સુધી સંસદસભ્ય રહ્યા હતા. એમણે 2002 અને 2003 દરમિયાન સેન્સર બોર્ડના ચેરમેન તરીકે પણ કામગીરી બજાવી હતી.