નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી ગઈ છે. EDએ શુક્રવારે તેમની કંપની રિલાયન્સ પાવર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ અને હૈદરાબાદમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. અધિકારીઓના જણવ્યા મુજબ એજન્સીની લગભગ 15 ટીમો આ કાર્યવાહી કરી રહી છે અને કંપની તથા તેના અધિકારીઓ સાથે જોડાયેલા અંદાજે 10થી 12 સ્થળોની તપાસ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી કથિત બેંક ફ્રોડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ કરવામાં આવી રહી છે. ED આ કેસમાં અનિલ અંબાણી સાથે જોડાયેલી અનેક કંપનીઓના નાણાકીય વ્યવહારો અને સંભવિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે.આ પહેલાં પણ ADAG ગ્રુપની વિવિધ કંપનીઓ તપાસના ઘેરામાં રહી ચૂકી છે. તપાસ એજન્સીઓ બેંકો પાસેથી લેવામાં આવેલા લોનના ઉપયોગ, ફંડ ડાયવર્ઝન અને અન્ય નાણાકીય ગેરરીતિઓ અંગે માહિતી એકત્રિત કરી રહી છે. હાલ આ દરોડા ચાલુ છે અને ED તરફથી સત્તાવાર નિવેદન હજી બહાર આવ્યું નથી. આ પહેલાં પણ અનિલ અંબાણીની આરકોમ (RCOM) પર દરોડાની કાર્યવાહી થઈ ચૂકી છે.
2019થી અનેક કાનૂની કેસોમાં ફસાયેલી આરકોમ
આરકોમ પહેલાથી જ નાદારી પ્રક્રિયામાં છે અને કંપની 2019થી અનેક કાનૂની કેસોમાં ફસાઈ ગઈ છે. અનિલ અંબાણી ગ્રુપની અન્ય કંપનીઓ જેમ કે રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ પણ તપાસના ઘેરામાં છે.EDએ અગાઉ 40થી વધુ સંપત્તિઓ અટેચ કરી હતી, જેના મૂલ્ય રૂ. 3000 કરોડથી વધુ હોવાનું જણાવાયું હતું. હાલમાં દરોડા ચાલુ છે અને ED તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ વધુ તેજ કરવામાં આવી છે અને આગળ પણ વધુ કાર્યવાહી થઈ શકે છે.
અનિલ અંબાણીની કંપનીઓ આ આરોપોને નકારી રહી છે અને કહે છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે. આ ઘટના અનિલ અંબાણી ગ્રુપ સામે વિવિધ એજન્સીઓ — ED, CBI અને SFIO — દ્વારા ચાલી રહેલી તપાસનો ભાગ છે, જેમાં કુલ ફ્રોડ રકમ રૂ. 40,000 કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.




