નવી દિલ્હીઃ અનિલ અંબાણી ફરી એક વાર મુશ્કેલીમાં ઘેરાયા છે. અનિલ અંબાણીની કંપનીઓ પર ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ED દ્વારા આ કાર્યવાહી દિલ્હી અને મુંબઈ સ્થિત અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 50 કંપનીઓ અને 35થી વધુ સ્થળોએ મની લોન્ડરિંગથી જોડાયેલા કેસોમાં કરવામાં આવી રહી છે. અંબાણીની અનેક કંપનીઓ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.
અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સામે મની લોન્ડરિંગ મામલે મુંબઈમાં તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી નેશનલ હાઉસિંગ બેંક, SEBI, નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA), બેંક ઓફ બરોડા અને CBIની બે FIRને આધારે કરવામાં આવી છે.
ED દ્વારા અનિલ અંબાણીની સાથે જોડાયેલી કંપનીઓના ઘણા વરિષ્ઠ અધિકારીઓના નિવાસ સ્થાનો અને દફતર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસમાં EDને એવાં પુરાવા મળ્યા છે કે આ ઘટનાક્રમ જાહેર નાણાંની હેરાફેરી માટે એક યોજના બનાવીને કાવતરાપૂર્વકની હેરાફેરી હતી. તેમાં ઘણી સંસ્થાઓ, બેંકો, શેરહોલ્ડરો અને રોકાણકારોને છેતરપિંડીથી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. લાંચખોરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે, જેમાં યસ બેંકના પ્રમોટરો પણ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે.
યસ બેંકથી 3,000 કરોડ રૂપિયાની લોનના દુરુપયોગનો આરોપ
EDને શંકા છે કે વર્ષ 2017થી 2019ની વચ્ચે યસ બેંકથી લેવાયેલા આશરે 3000 કરોડ રૂપિયાના લોનનો ગેરકાયદે રીતે ઉપયોગ અને હેરાફેરી કરવામાં આવી છે.
અનિલ અંબાણીને કેમ ફ્રોડ જાહેર શા માટે કરવામાં આવ્યા?
હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યા હતા. જુલાઈ, 2025ની શરૂઆતમાં SBIએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનના લોન એકાઉન્ટ અંગે પગલાં લીધાં હતા. બેંકે ડિસેમ્બર 2023, માર્ચ 2024 અને સપ્ટેમ્બર 2024માં કારણ બતાવ નોટિસો જારી કરી હતી. કંપનીના જવાબોની સમીક્ષા કર્યા પછી SBIએ જણાવ્યું હતું કે કંપનીએ લોનની શરતોનું પાલન કર્યું નથી અને એકાઉન્ટના વ્યવહાર સંબંધિત અનેક અનિયમિતતાઓની સંપૂર્ણ માહિતી આપવામાં નિષ્ફળ ગઈ છે.
