મુંબઈ: મહારાષ્ટ્રમાં એક ડોનના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. છત્રપતિ સંભાજીનગરમાં 1990ના દાયકામાં પોતાની દહેશત ફેલાવનાર કથિત ‘ડોન’ બાબા ફરજાનના ભવ્ય બંગલા પર ક્રાઇમ બ્રાંચની ટીમે શનિવારે વહેલી સવારે મોટી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પડેગાંવ વિસ્તારમાં શરૂ થયેલી આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ડોનના ઘરે ક્રાઇમ બ્રાંચના દરોડા
પ્રાથમિક તપાસ મુજબ પોલીસે ડોનના ઠેકાણેથી અંદાજે 5.5 કરોડ રૂપિયા રોકડા, 21 લાખ રૂપિયાનું સોનું અને આઠ લાખ રૂપિયાની ચાંદી જપ્ત કરી છે. નોટોના ઢગલા જોઈ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સ્થળ પર જ રોકડ રકમ ગણવા માટે પાંચ કરન્સી કાઉન્ટિંગ મશીનો મગાવ્યાં હતાં, જેના દ્વારા નોટોની ગણતરી કરવામાં આવી રહી છે.
ડોનના બંગલામાંથી શું મળ્યું?
રોકડ રકમ અને દાગીનાઓ ઉપરાંત બંગલાની તલાશી દરમિયાન ચાર ખતરનાક રાઇફલો, 500 જીવતા કારતૂસ, તલવારો અને ધારદાર છરીઓ જેવાં હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.

ટ્રાન્ઝેક્શન અને બેનામી સંપત્તિઓની તપાસ ચાલુ
ક્રાઇમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં બાબા ફરજાનના તમામ નાણાકીય વ્યવહારો, બેનામી સંપત્તિઓ અને બેંક સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજોની વિગતવાર તપાસ કરી રહ્યા છે. આ મોટા અને ગુપ્ત પોલીસ ઓપરેશન અંગે પોલીસ પ્રશાસન આજે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાવાર અને વિગતવાર માહિતી જાહેર કરશે.






