રામ મંદિર ચઢાવા ચોરી કેસના આરોપીઓનો કેસ વકીલો નહીં લડે

અયોધ્યા: રામ મંદિર ચઢાવા (દાન) ચોરી વિવાદમાં અયોધ્યાના વકીલોએ મોટો નિર્ણય લીધો છે. ફૈઝાબાદ બાર એસોસિયેશનની બેઠક બાદ નક્કી કરવામાં આવ્યું છે કે રામ મંદિર ચઢાવા ચોરી કેસના આરોપીઓની તરફથી કોઈ પણ વકીલ કેસ લડશે નહીં. બાર એસોસિએશનના અધ્યક્ષ કાલિકા પ્રસાદની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એસોસિયેશને ચેતવણી આપી છે કે જો કોઈ વકીલ આ કેસમાં આરોપીઓની વકીલાત કરશે તો તેના પર રૂ. પાંચ લાખનો દંડ ફટકારવામાં આવશે.

હાલ રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં આઠ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. એ સાથે જ SIT તેમની રહેણાક જગ્યાઓ અને અન્ય ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી છે. તપાસ દરમિયાન આરોપીઓનાં ઘરોમાંથી મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

રામ મંદિર ચઢાવા ચોરી કેસના આઠ આરોપીઓ

  1. રામશંકર યાદવ ઉર્ફે ટિન્ન યાદવ – ચંપત રાયની નજીકનો અને ભૂતપૂર્વ ડ્રાઇવર. રામ મંદિરની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો.
  2. અનુકલ્પ મિશ્રા – દાનમાં મળેલી રોકડની ગણતરી માટે જવાબદાર કર્મચારી. પોલીસના જણાવ્યા મુજબ ગેરરીતિનો મુખ્ય માસ્ટર માઇન્ડ.
  3. લવકુશ મિશ્રા – મુખ્ય આરોપી અનુકલ્પ મિશ્રાનો સગો સાળો.
  4. રમાશંકર મિશ્રા – દાનની રકમની ગણતરી અને હિસાબ રાખતા સ્ટાફના સભ્ય.
  5. કરુણેશ પાંડે – દાનપેટીમાંથી નીકળતી રકમ અને ચઢાવાની ગણતરીની પ્રક્રિયા સાથે સીધો જોડાયેલો.
  6. સુભાષ શ્રીવાસ્તવ – કેનેરા બેંકના નિવૃત્ત કર્મચારી, નિવૃત્તિ બાદ રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયા હતા.
  7. મનીષ યાદવ – રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુનો સગો ભત્રીજો. ટિન્નુએ તેને લગભગ ચાર-પાંચ મહિના પહેલાં દાનપેટી વ્યવસ્થાપનના કામમાં જોડાવ્યો હતો.
  8. અવિનાશ શુક્લા – અયોધ્યાના સ્થાનિક રહેવાસી. રામ મંદિરના ચઢાવા અને દાનની રકમની ગણતરી કરતી મુખ્ય ટીમનો સભ્ય હતો.

SIT તપાસમાં શું સામે આવ્યું?

SITની અત્યાર સુધીની તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચઢાવા ચોરી કેસના આરોપીઓની જીવનશૈલીમાં અચાનક મોટો બદલાવ આવ્યો હતો. જે પરિવારો અગાઉ આર્થિક તંગીનો સામનો કરતા હતા, તેઓ ટૂંકા સમયમાં જ આલીશાન મકાનો, ફાર્મહાઉસ અને મોંઘી કારોના માલિક બની ગયા હતા. તપાસ એજન્સીઓ આ અચાનક આવેલા આર્થિક પરિવર્તનને મહત્વના પુરાવા તરીકે તપાસી રહી છે.