નવી દિલ્હીઃ દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીકને મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઉત્તરાખંડમાંથી વધુ એક પેપર લીકની ઘટના બની છે. ઉત્તરાખંડ ટેક્નિકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના બે વિષયોના પ્રશ્નપત્રો કથિત રીતે લીક થયા હતા. ત્યાર બાદ યુનિવર્સિટીએ બંને વિષયોની પરીક્ષા રદ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોપી શિક્ષક આકાશ કુમાર શિવાલિક કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે અને તેઓ પેપર સેટર તરીકે પ્રશ્નપત્ર તૈયાર કરવાની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના પર આરોપ છે કે તેમણે પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો જેવા જ પ્રશ્નો એક કોલેજના વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થીઓને મોકલ્યા હતા. આ ઘટનાને પગલે બંને પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

પેપર લીક વિરોધ વચ્ચે સામે આવી ઘટના
આ સમગ્ર ઘટનાક્રમમાં કોલેજની ભૂમિકા અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. આ મામલે આરોપી શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. દેશભરમાં પેપર લીકની ઘટનાઓને લઈને ચાલી રહેલા વિરોધ અને ચિંતાના માહોલ વચ્ચે આ સમાચાર ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ સતત પેપર લીકની ઘટનાઓ પર રોક લગાવવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. એવામાં ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાંથી આ ઘટના સામે આવી છે.
વાઇસ ચાન્સેલરે શું કહ્યું?
વીર માધો સિંહ ભંડારી ઉત્તરાખંડ ટેક્નિકલ યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર તૃપ્તા ઠાકુરે જણાવ્યું હતું કે જે કોલેજમાં આ શિક્ષક કાર્યરત છે, તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ પોતાની તરફથી આગામી સાત વર્ષ સુધી આ શિક્ષકને કોઈ પણ પરીક્ષા સંબંધિત કામગીરીમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમણે કહ્યું હતું કે આ શિક્ષકે પોતાના 22 વિદ્યાર્થીઓ માટે સમગ્ર પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા સાથે સમાધાન કર્યું છે. અમારી નૈતિક ફરજ છે કે આવા શિક્ષકોને ભવિષ્યમાં ક્યારેય અમારી પરીક્ષાઓમાં સામેલ ન કરીએ.
કયા વિષયનું પેપર લીક થયું હતું?
આઠ જુલાઈએ શિવાલિક કોલેજમાં લેવામાં આવેલી એક પરીક્ષા અંગે ફરિયાદો મળી હતી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે Machine Learning for Internet of Things વિષયનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ કેટલાક વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું હતું. આ પરીક્ષામાં પુછાયેલા લગભગ 90 ટકા પ્રશ્નો શિવાલિક કોલેજ ઑફ એન્જિનિયરિંગના સહાયક પ્રોફેસર આકાશ કુમાર ગુપ્તાએ પરીક્ષા પહેલાં વોટ્સએપ મારફતે વિદ્યાર્થીઓને મોકલ્યા હતા, એવો આરોપ છે.




