નવી દિલ્હી: કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહે શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક પહેલાં ભાજપ અને RSSની સંગઠનશક્તિની પ્રશંસા કરીને પાર્ટીને અસહજ સ્થિતિમાં મૂકી દીધી છે. જોકે તેમણે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું હતું કે તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને RSSની નીતિઓના ઘોર વિરોધી છે. પરંતુ ત્યાં સુધીમાં પાર્ટીની અંદર સ્થિતિ કાફી તણાવપૂર્ણ બની ચૂકી હતી. રવિવારે પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીની દિગ્વિજય સિંહ સાથે મુલાકાત થઈ, ત્યારે તેમણે મજાકિયા અંદાજમાં દિગ્વિજય સિંહને કહ્યું,‘તમે તમારું કામ કરી ગયા. તમે બદમાશી કરી ગયા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
દિગ્વિજય મામલે રેવંત રેડ્ડીની એન્ટ્રી
બીજી તરફ, તેલંગાણાના મુખ્ય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા રેવંત રેડ્ડીની પણ આ મામલે એન્ટ્રી થઈ હતી. તેમણે દિગ્વિજય સિંહનું નામ લીધું નહીં, પરંતુ ઇશારામાં પલટવાર કર્યો હતો. રેડ્ડીએ કહ્યું હતું કે કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ 1991માં પીવી નરસિમ્હા રાવને અને 2004 તથા 2009માં ડો. મનમોહન સિંહને વડા પ્રધાન બનાવીને બહુ સારો નિર્ણય લીધો હતો. રેડ્ડીના આ નિવેદનને દિગ્વિજય સિંહની પોસ્ટ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
શું છે મામલો?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન પણ પાર્ટી સંગઠનમાં વિકેન્દ્રીકરણની વકાલત કરી. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક સિનિયર નેતાઓએ દિગ્વિજયને ટોક્યા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટોકીને કહ્યું કે હજી બીજા નેતાઓને બોલવું છે.
વર્કિંગ કમિટીની બેઠક શરૂ થવા પહેલાં દિગ્વિજય સિંહે X પર એક જૂની તસવીર શેર કરી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગળની તરફ જમીન પર બેઠેલા છે અને તેમના પાછળ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ આડવાણી ખુરશી પર બેઠેલા દેખાય છે.
દિગ્વિજય સિંહે પોસ્ટમાં લખ્યું, “વેબસાઇટ પર મને આ તસવીર મળી. બહુ જ પ્રભાવશાળી છે. કેવી રીતે RSSનો જ મિની સ્વયંસેવક અને જનસંઘ-ભાજપનો કાર્યકર નેતાઓના ચરણોમાં જમીન પર બેઠો રહીને રાજ્યનો મુખ્ય મંત્રી અને દેશનો વડા પ્રધાન બન્યો. આ સંગઠનની શક્તિ છે. જય સિયારામ.” આ પોસ્ટ બાદ વિવાદ ઊભો થયો હતો.


