ડિજિટલ ટ્રાન્ઝેક્શન પાંચ વર્ષમાં 11 ગણું વધ્યું, UPI એ કેશને પાછળ છોડ્યું

નવી દિલ્હીઃ દેશમાં પેમેન્ટ કરવાની રીત ઝડપથી બદલાઈ રહી છે. રોકડ લેવડદેવડની જગ્યાએ હવે મોબાઇલ અને QR કોડે સ્થાન લીધું છે. નાણાં મંત્રાલયના તાજા રિપોર્ટ મુજબ વર્ષ 2021થી 2025 વચ્ચે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન લગભગ 11 ગણા વધ્યાં છે. એટલું જ નહીં, UPI હવે લોકોમાં સૌથી પસંદગીનું પેમેન્ટ માધ્યમ બની ગયું છે અને તેણે કેશને ઘણી પાછળ મૂકી દીધું છે. રિપોર્ટમાં દેશનાં 15 રાજ્યોમાં કરાયેલા સર્વેના આધાર પર ડિજિટલ પેમેન્ટ સંબંધિત અનેક મહત્વના ટ્રેન્ડ રજૂ કરવામાં આવ્યા છે.

  1. UPI બન્યું સૌથી પસંદગીનું પેમેન્ટ માધ્યમ

આ સર્વેમાં સામેલ લોકોમાંથી 57 ટકા લોકોએ UPI ને મુખ્ય પેમેન્ટ પદ્ધતિ તરીકે પસંદ કર્યું, જ્યારે મુખ્યત્વે કેશનો ઉપયોગ કરનારાઓનું પ્રમાણ 38 ટકા રહ્યું. UPI પેમેન્ટની સરળ પ્રક્રિયા અને તરત જ પૈસા ટ્રાન્સફર થવાની સુવિધા એનું મુખ્ય કારણ છે. ફોન દ્વારા સીધી ચુકવણી કરવાની ટેવને કારણે લોકો દુકાનો, શાકમાર્કેટ અને ઓનલાઈન ખરીદીમાં કેશથી દૂર થઈ રહ્યા છે.

  1. યુવાનોમાં સૌથી ઝડપી બદલાવ

ડિજિટલ પેમેન્ટ અપનાવવામાં 18થી 25 વર્ષના યુવાનો સૌથી આગળ છે. આ વય જૂથમાં આવતા 66 ટકા લોકો નિયમિત રીતે UPIનો ઉપયોગ કરે છે. રિપોર્ટ મુજબ 65 ટકા UPI યુઝર્સ દરરોજ અનેક વખત ડિજિટલ પેમેન્ટ કરે છે.

  1. કેશ અને ATM પરની નિર્ભરતા ઘટી

UPI અને RuPay કાર્ડના ઉપયોગથી 90 ટકા યુઝર્સનો ડિજિટલ પેમેન્ટ પર વિશ્વાસ વધ્યો છે. તેને પરિણામે કેશનો ઉપયોગ અને ATMમાંથી પૈસા કાઢવાની જરૂરિયાત ઘટી રહી છે. 52 ટકા લોકોએ જણાવ્યું કે કેશબેક અને પ્રોત્સાહન યોજનાઓએ તેમને ડિજિટલ પેમેન્ટ અપનાવવા પ્રેરિત કર્યા. જ્યારે 74 ટકા યુઝર્સે ઝડપને તેનો સૌથી મોટો ફાયદો ગણાવ્યો.

  1. નાના વેપારીઓને સીધો લાભ

આ રિપોર્ટમાં નાના વેપારીઓના અભિપ્રાયો પણ સામેલ છે. સર્વેમાં સામેલ 94 ટકા નાના વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓ હવે UPI પેમેન્ટ સ્વીકારે છે. તેમાંના 72 ટકા વેપારીઓ ડિજિટલ પેમેન્ટથી સંતોષ અનુભવે છે, કારણ કે હિસાબ સરળ બન્યો છે અને લેવડદેવડ ઝડપી થઈ છે. લગભગ 57 ટકા વેપારીઓએ સ્વીકાર્યું કે ડિજિટલ પેમેન્ટ અપનાવ્યા બાદ તેમના વેચાણમાં વધારો થયો છે.