નવી દિલ્હીઃ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ પછી મધ્ય-પૂર્વમાં યુદ્ધની આગ ભભૂકી ઊઠી છે. ઈરાનની જવાબી કાર્યવાહી હેઠળ કતારના એલએનજી પ્લાન્ટ્સ પર ડ્રોન હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અટકી જવાથી ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ 73 ડોલરથી વધીને 82 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે, એટલે કે અંદાજે 13 ટકાનો વધારો થયો છે.
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જો યુદ્ધ એક મહિના સુધી ચાલુ રહે, તો ક્રૂડ ઓઇલના ભાવ 100થી 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. તેને કારણે ભારતમાં ડીઝલ, પેટ્રોલ, સીએનજી અને એલપીજીના ભાવમાં 20 ટકાથી 50 ટકા સુધી વધારો થઈ શકે છે. જો યુદ્ધ લાંબું ચાલે, તો તે ભારતના અર્થતંત્ર માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે, એમ એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે.
યુદ્ધમાં અત્યાર સુધી શું થયું?
ઈરાને હોર્મુઝ વિસ્તારમાં હાજર કોઈ પણ તેલ ટેન્કર અને જહાજોને નિશાન બનાવવાની જાહેરાત કરી છે અને આ માર્ગને બંધ જાહેર કર્યો છે. વિશ્વની લગભગ 20 ટકા તેલ-ગેસ સપ્લાય આ માર્ગથી પસાર થાય છે. ઈરાનના હુમલાઓને કારણે કતાર એનર્જીએ રાસ લફ્ફાન અને મેસાઈદ પ્લાન્ટ્સ પર હુમલા બાદ એલએનજી ઉત્પાદન અટકાવી દીધું છે, જેને કારણે વૈશ્વિક સપ્લાયનો લગભગ 20 ટકા ભાગ પ્રભાવિત થયો છે.
ક્રૂડનો ભાવ 150 ડોલર સુધી જઈ શકે
ઇન્ડિપેન્ડન્ટ કોમોડિટી ઇન્ટેલિજન્સ સર્વિસિસના સિનિયર કન્સલ્ટન્ટ જોન રિચર્ડસને પોતાના બ્લોગમાં લખ્યું છે કે જો યુદ્ધ લાંબું ચાલે, તો એક મહિના અંદર જ ક્રૂડ ઓઈલનો ભાવ 110થી 150 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે. તેવી જ રીતે જેફરીઝની રિપોર્ટમાં પણ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે થોડા જ અઠવાડિયામાં ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલથી વધુ થઈ શકે છે.

ભારત માટે પડકાર કેમ મોટો?
ભારત હાલમાં પોતાની કુલ જરૂરિયાતના લગભગ 55 ટકા ક્રૂડ ઓઈલ પશ્ચિમ એશિયાથી આયાત કરે છે, જેમાં મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવે છે. ઉપરાંત ભારત પોતાની કુલ ગેસ જરૂરિયાતનો લગભગ 50 ટકા ભાગ કતારથી આયાત કરે છે. તેથી હોર્મુઝ બંધ થવાથી ભારતની લગભગ અડધો તેલ અને ગેસ સપ્લાય અસરગ્રસ્ત થઈ શકે છે. જેને કારણે ભારતનો આયાત બિલ વધી શકે છે.




