ઉ.ભારતમાં યાગી વાવાઝોડાની એન્ટ્રી, IMDનું એલર્ટ

નવી દિલ્હી: ચીનમાં તબાહી મચાવનાર યાગી વાવાઝોડું થાઈલેન્ડ, વિયેતનામ અને ફિલિપાઈન્સ થઈને ભારત પહોંચ્યું છે. આ વાવાઝોડાના પગલે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને લો-પ્રેશર સિસ્ટમથી સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-NCR, હરિયાણા તેમજ ઉત્તરાખંડમાં 11મી અને 14મી સપ્ટેમ્બર વચ્ચે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.

હાલમાં ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન છે અને તેની અસર ઉત્તર પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં છે. આ ડિપ્રેશન બંગાળની ખાડીમાં સર્જાયું હતું. જેના કારણે વિયેતનામમાં યાગી વાવાઝોડું વધુ સક્રિય થયું હતું અને વાવાઝોડું બંગાળની ખાડીની તરફ ખેંચાયું છે. આ ડિપ્રેશન 8 કિમી/કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર ગ્વાલિયર, આગ્રા, ઝાંસી અને અલીગઢમાં વધુ જોવા મળે છે. આગામી 24 કલાકમાં તે ધીમે ધીમે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે.