ચીન પર વાવાઝોડા ‘રગાસા’નું જોખમઃ શાળાઓ બંધ, સેંકડો ફ્લાઇટ્સ રદ

હોંગકોંગ: દક્ષિણ ચીનનાં શહેરોમાં વાવાઝોડા ‘રગાસા’ના જોખમ વચ્ચે જીવન થંભી ગયું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાંનું સૌથી ખતરનાક વાવાઝોડામાંનું એક છે, જેણે ફિલિપિન્સમાં પહેલેથી જ 3 લોકોના જીવ લીધા છે અને હજારો લોકોને ઘરવિહોણા કર્યા છે. હોંગકોંગ, શેનઝેન અને આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અને લોકો તોફાનથી બચવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.

હોંગકોંગની ઓબ્ઝર્વેટરીના જણાવ્યા મુજબ આ વાવાઝોડા રગાસાની મહત્તમ ઝડપ 230 કિમી પ્રતિ કલાક છે અને તે 22 કિમી પ્રતિ કલાકની ગતિએ દક્ષિણ ચીન સમુદ્રના ઉત્તર ભાગમાંથી પસાર થઈ રહ્યું છે. ચીનના ગ્વાંગડોંગ પ્રાંતના શેનઝેન અને શ્વેન કાઉન્ટી વચ્ચે આ બુધવારે એ કિનારે અથડાય એવી શક્યતા છે. હોંગકોંગમાં તોફાન માટે ત્રીજું સૌથી મોટું એલર્ટ (સિગ્નલ નંબર 8) જાહેર થયું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે મંગળવાર રાત્રે અથવા બુધવારે સવારે તેને વધુ ઊંચું કરવામાં આવી શકે છે. ચીનની રાષ્ટ્રીય હવામાન એજન્સીએ ચેતવણી આપી છે કે આ તોફાન ગ્વાંગડોંગના કિનારાના વિસ્તારોમાં ભારે વિનાશ વેરી શકે છે.

હોંગકોંગમાં સમુદ્રનું જળસ્તર વધી શકે

આ તોફાનની અસરથી હોંગકોંગમાં બુધવારની સવારે સમુદ્રનું જળસ્તર બે મીટર સુધી વધી શકે છે, અને કેટલાક વિસ્તારોમાં તે ચારથી પાંચ મીટર સુધી પહોંચી શકે છે.

અનેક વિસ્તારોમાં શાળાઓ બંધ, સૈંકડો ફ્લાઇટ્સ રદ

હોંગકોંગ અને મકાઉમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ગ્વાંગડોંગ પ્રાંતના શેનઝેન અને ફોશાન, અને હૈનાન પ્રાંતના હૈકૌમાં પણ શાળાઓ અને ઓફિસો બંધ કરવાનો આદેશ આપ્યો છે. હોંગકોંગમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ છે અને શેનઝેન એરપોર્ટ મંગળવાર રાતથી તમામ ફ્લાઇટ્સ બંધ કરશે. મકાઉ સરકારે ઈમરજન્સી વ્યવસ્થા શરૂ કરી દીધી છે, કારણ કે તોફાન બુધવારની સવારે મકાઉથી 100 કિમી દક્ષિણમાંથી પસાર થશે.

 ફિલિપિન્સ અને તાઈવાનમાં તબાહીનું દ્રશ્ય

આ પહેલાં રગાસાને લીધે ફિલિપિન્સમાં પૂર અને ભૂસ્ખલનમાં 17,500થી વધુ લોકો ઘરવિહોણા થયા છે. તાઈવાનમાં તોફાનની અસરથી છ લોકો ઘાયલ થયા છે, 7000થી વધુ લોકો સ્થળાંતરિત થયા અને 8000થી વધુ ઘરોમાં વીજળી ખોરવાઈ ગઈ છે.