નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહને અંડરવર્લ્ડ તરફથી રૂ. પાંચ કરોડની ખંડણીની ધમકી મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે ખુલાસો કર્યો છે કે આ ધમકી કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, પરંતુ ફરાર ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગેંગ એટલે કે ‘ડી કંપની’ તરફથી અપાઈ હતી. માહિતી મુજબ, રિન્કુ સિંહની પ્રમોશનલ ટીમને ફેબ્રુઆરીથી એપ્રિલ 2025 વચ્ચે ત્રણ અલગ-અલગ ધમકીભર્યા સંદેશ મોકલવામાં આવ્યા હતા.
રિન્કુ સિંહને નહીં, પરંતુ તેમની ટીમને બનાવાઈ ટારગેટ
આ ધમકીભર્યા સંદેશ સીધા રિન્કુ સિંહને નહીં પરંતુ તેમની પ્રમોશનલ ટીમને મોકલવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે આ કેસ એક વિશાળ રેકેટ સાથે જોડાયેલો છે, કારણ કે આ જ પ્રકારના ધમકીભર્યા ઈમેઈલ જિશાન સિદ્દીકીને પણ મળ્યા હતા. જિશાન સિદ્દીકીના પિતા અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા પછી તેમને રૂ. 10 કરોડની ખંડણી માટે ધમકી મળી હતી. આ કેસમાં ઈન્ટરપોલની મદદથી ત્રિનિદાદ અને ટોબેગોથી આરોપી મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ નવેદને પહેલેથી જ પકડવામાં આવ્યા છે. જિશાનને આ ધમકીભર્યા ઈમેઈલ 19થી 21 એપ્રિલ દરમિયાન મળ્યા હતા, જેમાં ખંડણી ન આપવાની સ્થિતિમાં ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હતી.
સામાન્ય પરિવારમાંથી આવે છે રિન્કુ સિંહ
ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરના રહેવાસી રિન્કુ સિંહનો ભારતીય ટીમ સુધીનો સફર સંઘર્ષોથી ભરેલો રહ્યો છે. તેમના પિતા ખાનચંદ સિંહ, એક સમય ગેસ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને કારણે રિન્કુ સિંહને બાળપણમાં તેમના પિતાથી માર પણ પડતો, પરંતુ તેણે હાર માની નહોતી અને પોતાની મહેનતને બળે પહેલાં IPL અને ત્યાર બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતુ.
