મુંબઈઃ મહારાષ્ટ્રમાં તહેવારો દરમિયાન ડિસ્ક જોકી (DJ) મ્યુઝિક અને અન્ય ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાઉન્ડ સિસ્ટમના ઉપયોગને લઈને વિવાદ થયો હતો. ત્યાર બાદ મહાવિકાસ અઘાડી (MVA)ના ઘટક પક્ષો સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ મોટા અવાજવાળા DJનો સ્પષ્ટ વિરોધ કર્યો છે. જોકે ભાજપ હજુ સુધી DJ પર પ્રતિબંધ મૂકવો કે નહીં તે અંગે કોઈ નિર્ણય લઈ શકી નથી.
આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ મુકુંદ કિરદતે કહ્યું હતું કે DJ અને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે એન્ટી-લાઉડ સ્પીકર પુણે સિટિઝન્સ ફોરમ રવિવાર (6 સપ્ટેમ્બર) સવારે 11 વાગ્યે બાલગંધર્વ ચોકથી PMC હેડક્વાર્ટર સુધી રેલી કાઢી રહ્યું છે.
DJ પર પ્રતિબંધની માગ
સામાજિક કાર્યકર વિશ્વંભર ચૌધરીએ અપીલ કરતાં કહ્યું હતું કે જો પુણેના લોકો DJ નથી ઇચ્છતા, તો તેમણે રવિવારે યોજાનારી માર્ચમાં સામેલ થવું જોઈએ. આ માર્ચનું આયોજન પુણેના સામાન્ય નાગરિકો કરી રહ્યા છે. આ કોઈ રાજકીય પક્ષ કે વિચારધારાની માર્ચ નથી, પરંતુ સંપૂર્ણપણે પુણેના લોકોની માર્ચ છે. તમારી પાર્ટી કે વિચારધારા ગમે તે હોય, જો નાગરિકો DJને ‘ના’ કહેવા માગતા હોય તો તેમણે માર્ચમાં જોડાવું જોઈએ.
ફડણવીસે શું કહ્યું?
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે છેલ્લા બે દિવસમાં પુણેમાં ધ્વનિ પ્રદૂષણ અંગે બે વખત વાત કરી છે. પરંતુ આગામી ગણેશોત્સવ દરમિયાન DJ મ્યુઝિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગ અંગે તેમણે કોઈ વચન આપ્યું નથી. તેમણે નિર્ણય પુણેના લોકો પર છોડી દીધો છે. તેમણે કહ્યું હતું કે તમામ નિર્ણયો લોકોને વિશ્વાસમાં લઈને લેવા જોઈએ. તહેવારોમાં પરંપરાઓ અથવા રીત-રિવાજોને અચાનક કાયદા દ્વારા રોકી શકાય નહીં. આવી પ્રથાઓ બંધ કરવા માટે લોકોને વિશ્વાસમાં લઈને વચ્ચેનો રસ્તો કાઢવાની જરૂર છે, માત્ર કાયદાની ધમકી પર આધાર રાખવો યોગ્ય નથી.
શું છે સમગ્ર મામલો?ગુરુવારે એક મરાઠી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન ગણેશ મંડળના એક પૂર્વ અધ્યક્ષે બાપટ પર હુમલો કર્યો ત્યારથી આ મુદ્દો વધુ વકર્યો છે. હુમલા છતાં બાપટ પોતાની માગ પરથી હટવા તૈયાર નથી અને તેમણે પુણેમાં માત્ર DJ મ્યુઝિક જ નહીં, પરંતુ તમામ પ્રકારનાં સાઉન્ડ-એમ્પ્લિફાઇંગ સાધનો પર પણ પ્રતિબંધ મૂકવાની માગ પર ભાર મૂક્યો છે.




