અમદાવાદ: 8 એપ્રિલથી 9 એપ્રિલ એમ બે દિવસ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની આજની બેઠક 4 કલાક ચાલી હતી. બેઠક બાદ તમામ CWC સભ્યોને PATEL A LIFE બુક આપવામાં આવી હતી. બાદમાં સરદાર સ્મારક બહાર નેતાઓનું ફોટો સેશન થયું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સો વર્ષ પહેલા સ્વતંત્ર લડત માટે કોંગ્રેસની વિચારધારાને વરી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. આ સાથે સરદાર સાહેબની 150મી જન્મજયંતીનું વર્ષ 2025 છે. વર્ષ 1961 પછી એટલે કે 64 વર્ષ બાદ ગુજરાતમાં AICCનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે (8 એપ્રિલ) ભાજપ અને સંઘ પર પ્રહાર કર્યા હતાં. ખડગેએ આરોપ લગાવ્યો કે, છેલ્લાં અનેક વર્ષોથી રાષ્ટ્રીય નાયકો વિરૂદ્ધ સુનિયોજિત કાવતરૂ ઘડવામાં આવી રહ્યું છે. તેમણે અમદાવાદમાં પાર્ટીની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં કહ્યું કે, સરદાર પટેલ આર.એસ.એસ.ની વિરાધારાની વિરૂદ્ધ હતાં અને આ હાસ્યાસ્પદ છે કે, આજે તેમના સંગઠનના લોકો સરદાર પટેલની વિરાસત પર દાવો કરે છે. આ સાથે જ ખડગેએ ગાંધી અને સરદારની ભૂમિ પરથી પ્રેરણા લેવાની પણ વાત કહી હતી.અગાઉ CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે. ખડગેએ એવો પણ દાવો કર્યો કે, આજે સાંપ્રદાયિક વિભાજન દ્વારા દેશના મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે અને સામંતશાહી એકાધિકાર સંસાધનો કબજે કરીને શાસનને નિયંત્રિત કરવાના માર્ગે છે.
CWCની બેઠક બાદ સચિન પાઇલોટે જણાવ્યું હતું કે, અમે ઉદયપુર ડેક્લેરેશન-2022 લાગુ કર્યુ છે. અમે લોકો સુધી જઈશું. દેશમાં જનચેતના ફેલાવીશું. અધિવેશનના માધ્યમથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઊર્જાનું સંચાર કરીશું.કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે, ગુજરાતમાં 2027 ની ચૂંટણી અમારે જીતવાની છે અને અમે ગુજરાત મુદ્દે ખૂબ જ ગંભીર છીએ. તેમણે કહ્યું કે, અમારા માટે આ ક્ષણ ઐતિહાસિક છે. ત્યારે અમે બે મહાન હસ્તી ‘મહાત્મા ગાંધી’ અને ‘સરદાર પટેલ’ ને યાદ કરીએ છીએ. અમારી દેશભક્તિમાં, રાષ્ટ્રવાદમાં એકતા અને સદભાવનાની જવાબદારી છે. સંવિધાનનું સંરક્ષણ કરવું એ પરમ કર્તવ્ય છે. તેમણે કહ્યું કે, ગુજરાતનાં લોકો પ્રત્યે શ્રદ્ધા છે. સમગ્ર રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ સાથે છે.
(તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ)
