નવી દિલ્હીઃ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ઝેરી કફ સિરપને કારણે બાળકોનાં મોત થયાના મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. દવા સલામતી તંત્રની નિષ્ફળતા અંગે દાખલ થયેલી એક જાહેર હિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા સંમત થઈ છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ, જસ્ટિસ ઉજ્જ્વલ ભુયન અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે આ જાહેર હિત અરજીને તાત્કાલિક સુનાવણી લાયક ગણાવી છે. આ PIL વકીલ વિશાલ તિવારીએ દાખલ કરી હતી. પીઠે આ અરજીની સુનાવણી 10 ઓક્ટોબરે કરવાની સંમતિ આપી છે.
આ અરજીમાં માગ કરવામાં આવી છે કે આ ઘટનાઓની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ન્યાયિક પંચ અથવા નિષ્ણાત સમિતિ રચવાની વિનંતી પણ કરવામાં આવી છે. જાહેર હિત અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે રાજ્યોમાં ઝેરી કફ સિરપને કારણે થયેલા બાળકોના મોત સંબંધિત બધી બાકી FIR અને તપાસોને CBIને ટ્રાન્સફર કરવામાં આવે. તપાસમાં નિષ્પક્ષતા અને એકરૂપતા જળવાઈ રહે તે માટે આ તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખ હેઠળ થાય તેવી માગ પણ કરવામાં આવી છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ રાજ્યોની તપાસને કારણે જવાબદારી વિખેરાઈ ગઈ છે, જેના કારણે વારંવાર ભૂલો થઈ રહી છે અને ખતરનાક ફોર્મ્યુલેશન બજારમાં પહોંચી જાય છે. આ અરજી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી આવેલી એવી ખબર વચ્ચે દાખલ થઈ છે કે જ્યાં કહેવાય છે કે એક ખાસ પ્રકારની કફ સિરપ પીવાથી અનેક બાળકોનાં મોત થયાં છે.
જનહિત અરજમાં વિનંતી કરવામાં આવી છે કે રાજ્યોમાં ઝેરી કફ સિરપના કારણે થયેલ બાળકોના મોત સંબંધિત બધી બાકી FIR અને તપાસ CBIને સોંપવામાં આવે.
