શેરબજારને કેમ પસંદ નહીં આવ્યું બજેટ?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં શેરબજાર વિશે કરેલી એલાન પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. નાણાપ્રધાનની F&O (ફ્યુચર એન્ડ ઓપ્શન્સ) પર STTમાં વધારો કરવાની જાહેરાત પછી શેરબજાર ઘટ્યું હતું. નાણાપ્રધાને લાંબી મુદ્દતના મૂડીરોકાણ પર લાગનારા ટેક્સને વધારી દીધો હતો. એ સાથે ટૂંકા સમયગાળાના મૂડીરોકાણ પર લાગનારા ટેક્સમાં પણ ફેરફાર કર્યો હતો. જોકે સરકારે એન્જલ ટેક્સને સંપૂર્ણપણે ખતમ કર્યો હતો.

નાણાપ્રધાને બજેટ ભાષણમાં અનલિસ્ટેડ બોન્ડ્સ, ડિબેન્ચર્સ પર કેપિટલ ગેઇન્સ ટેક્સ લગાવ્યો હતો. અનલિસ્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ પર પણ કેપિટલ ગેન્સ ટેક્સ લગાવવામાં આવ્યો છે.આ સાથે શેરબજારમાં હવે શેર ખરીદી-વેચાણથી થનારા નફા પર વધુ ટેક્સ આપવો પડશે. એક વર્ષથી વધુ લિસ્ટેડ એસેટને લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG)ના દાયરામાં રાખવામાં આવી છે. આ સાથે પસંદગીની એસેટ્સ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (STCG) 20 ટકા કરી દીધો છે. પસંદગી એસેટ પર LTCGને વધારીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે, આ પહેલાં એ 10 ટકા હતો.

ઓપ્શન પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન્સ ટેક્સ (STT)માં ફેરફાર કરવામાં આવ્યો છે. એ STTને વધારીને 0.02 ટકા કરી દેવામાં આવ્યો છે. આ સિવાય શેર બાયબેકથી થનારી કમાણી પર પણ ટેક્સ લાગશે. વિદેશી કંપનીઓના કોર્પ ટેક્સ ઘટાડીને 35 ટકા કરી દેવામાં આવ્યો છે.

આ બધી જાહેરાતો પછી શેરબજારમાં ઝડપી ઘટાડો થયો હતો. શેરબજાર પર ટેક્સના એલાનની થોડી મિનિટોમાં નિફ્ટી, સેન્સેક્સમાં આશરે એક ટકા ઘટ્યા હતા. અનેક શેરોમાં લોઅર સરકિટ લાગી હતી. જોકે નીચા મથાળે શેરોમાં ટેકો મળતાં અને વેચાણો કપાતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી થઈ હતી.