વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કોણે-કોણે મૂડીરોકાણની જાહેરાત કરી, જાણો…

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિમાં દેશ અને વિશ્વના તમામ મોટા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોએ ભાગ લીધો હતો. આ સમિટમાં તેમણે ગુજરાતમાં મૂડીરોકાણ માટે મોટાં એલાન કર્યા હતા.આ પ્રસંગે  વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે 10 વર્ષ પહેલાં ભારત વિશ્વના ટોચનાં અર્થતંત્રોમાં 11મા સ્થાને હતું, જે આજે વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે કંપની હજીરામાં ભારતનો પહેલો વિશ્વ સ્તરીય કાર્બન ફાઇબર પ્લાન્ટ લગાવશે. તેમણે કહ્યું હતું કે કંપનીએ છેલ્લાં 10 વર્ષોમાં દેશમાં 150 અબજ અમેરિકી ડોલર (રૂ. 12 લાખ કરોડ)થી વધુનું મૂડીરોકાણ કર્યું છે. એમાંથી એક તૃતીયાંશથી વધુ મૂડીરોકાણ માત્ર ગુજરાતમાં કર્યું છે. રિલાયન્સ ગુજરાતને ગ્રીન એનર્જી મામલે વૈશ્વિક લીડર્સ બનાવવામાં યોગદાન આપશે.કંપનીએ જામનગરમાં 5000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગિગા કોમ્પ્લેક્સનું નિર્માણ શરૂ કરી દીધું છે. એથી મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે અને ગુજરાતને ગ્રીન ઉત્પાદકોના મુખ્ય એક્સપોર્ટર બનવામાં મદદ મળશે.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું હતું કે ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરામાં એક સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થાપશે. આ ઉપરાંત ગ્રુપ બે મહિનામાં સાણંદમાં લિથિયમ આર્યન બેટરી બનાવવા માટે 20 ગિગાવોટની ગિગાફેક્ટરી શરૂ કરશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રાજ્યમાં રૂ. બે લાખ કરોડથી વધુનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે, એમાં એક ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ પણ સામેલ છે, જે અંતરિક્ષમાંથી પણ દેખા દેશે. એનાથી રાજ્યમાં આશરે એક લાખ નોકરીઓનું સર્જન થશે.

આ સાથે મારુતિ સુઝુકી રાજ્યમાં બીજો ઉત્પાદન એકમ સ્થાપવા માટે રૂ. 35,000 કરોડનું મૂડીરોકાણ કરશે, જેથી પ્લાન્ટની ક્ષમતા 10 લાખ યુનિટ્સ વાર્ષિક થશે. આ સાથે આર્સેલર મિત્તલ હજીરામાં 2029માં વિશ્વના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરશે.

આ ઉપરાંત DP વર્લ્ડ પણ રાજ્યમાં કન્ટેનર બનાવવા માટે ત્રણ અબજ અમેરિકી ડોલરના વધારાના મૂડીરોકાણની યોજના બનાવી રહી છે.

 

Vibrant Gujarat global summit pm modi reliance adani group tata and other investments annoucemnt,