બજારમાં છેલ્લા બે મહિનામાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો

અમદાવાદઃ અમેરિકી બજારોમાં નબળાઈ અને સ્થાનિક શેરબજારોમા છેલ્લા બે મહિનામાં સૌથી મોટો સિંગલ ડે ઘટાડો થયો હતો. એચડીએફસી ટ્વિન્સમાં આવેલી વેચવાલીએ પગલે ફાઇનાન્શિયલ શેરોમાં કડાકો બોલી ગયો હતો. સપ્તાહના અંતે સેન્સેક્સ 694.96 પોઇન્ટ તૂટીને 61,054.29ના સ્તરે અને નિફ્ટી 186.80 પોઇન્ટ તૂટીને 18,069ના મથાળે બંધ થયો હતો. આ ઘટાડાને પગલે શેરબજારોમાં રોકાણકારોએ 1.42 લાખ કરોડ સ્વાહા થયા હતા.

સેન્સેક્સના 30માંથી 20 શેરોમાં ઘટાડો થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 29 શેરોમાં ઘટાડો થયો હતો. નિફ્ટી બેન્કના 12માંથી 11 શેરોમાં ઘટાડો થયો હતો. બજારમાં સૌથી વધુ વેચવાલી બેન્કિંગ અને મેટલ શેરોમાં રહી હતી.

રોકાણકારોએ 1.42 લાખ કરોડનું નુકસાન

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 273.78 લાખ કરોડે આવી ગયું હતું, જે ગુરુવારે રૂ. 275.20 લાખ કરોડ હતું. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આશરે રૂ. 1.42 લાખ કરોડ ઘટ્યું હતું.

BSE સેન્સેક્સ પર એચડીએફસી બેન્કનો શેર 5.80 ટકા તૂટ્યો હતો. આ પ્રકારે HDFCનો શેર 5.57 ટકા તૂટ્યો હતો. આ સિવાય ઇન્ડસઇન્ડ બેન્ક 4.57 ટકા તૂટ્યો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક અને ઇન્ફોસિસના શેર એક ટકો તૂટ્યો હતો. BSEમાં 1474 શેર વધીને બંધ થયા હતા, જ્યારે 2040 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 127 શેર ટકેલા મથાળે બંધ રહ્યા હતા.

જોકે આવનારા સપ્તાહમાં બજારની નજર મોંઘવારીના આંકડા અને ચોથા ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો પર રહેશે.