મોદી લહેરમાં BSE સેન્સેક્સ, નિફ્ટી50 ઓલટાઇમ ઊંચી સપાટીએ

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના મોટા ભાગના એક્ઝિટ પોલમાં ફરી એક વાર મોદી સરકાર બનવાના સંકેતો બજાર માટે મોટો બુસ્ટર ડોઝ સાબિત થયો હતો. આજે 40 મહિનાથી સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી જોવા મળી હતી. PSE અને PSU બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ વધ્યા હતા. જેથી સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે પહોંચ્યા હતા. આજની તેજીમાં બધા 13 સેક્ટર્સમાં તેજી થઈ હતી. બેન્ક નિફ્ટી, BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સોએ નવી ઓલટાઇમ ઊંચી સપાટી સર કરી હતી. નિફ્ટી બેન્કે 51,000ની સપાટી વટાવી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 12 લાખ કરોડ વધારો થયો હતો.  

ઘરેલુ બજારમાં ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 76,738 અને નિફ્ટી 23,338ના રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ઇન્ટ્રા-ડેની તેજી પછી સેન્સેક્સ 2507 પોઇન્ટની તેજીની સાથે 76,469ના સ્તરે અને નિફ્ટી 733 પોઇન્ટની તેજી સાથે 23,264ના સ્તરે બંધ થયો હતો. લોકસભા ચૂંટણીના બધા એક્ઝિટ પોલમાં PM મોદીની આગેવાની હેઠળ NDA સરકાર સતત ત્રીજી વાર પૂર્ણ બહુમતની સાથે સત્તામાં વાપસીનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. એમાં ભાજપને 305થી 315 સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. શેરબજારને એક્ઝિટ પોલનાં પરિણામો પસંદ આવ્યાં હતાં.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ભાજપની જીતથી કેન્દ્રમાં રાજકીય સ્થિરતા અને આર્થિક નીતિઓને વેગ મળવાની ધારણાનો અંદાજ છે. વળી, છેલ્લાં 10 વર્ષોમાં વૈશ્વિક સ્તરે આવેલા તમામ ઉતારચઢાવ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિર રહ્યું છે, જે મોદી સરકારની એક મોટી સફળતા છે, એમ બ્રોકરેજ કંપનીએ કહ્યું હતું.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આજની તેજી પાછળ વર્ષ 2024 માટે GDP ગ્રોથનો સારો અંદાજ, નાણાકીય ખાધમાં ઘટાડો, દેશમાં સારા વરસાદનું અનુમાન અને GST કલેક્શન રૂ. 1.73 લાખ કરોડે પહોંચતાં બજારમાં આગઝરતી તેજી થઈ હતી. BSE પર લિસ્ટેડ બધા કંપનીના કુલ માર્કેટ કેપમાં આજે રૂ. 14 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.